Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

ગુજરાત ઉપર વધારે એક વાવાઝોડાનો તોળાતો ખતરો

શનિવારે આંધ્રપ્રદેશ અને ઓરિસ્સામાં તોફાન આવશે : જવાદ વાવાઝોડાના અસરના ભાગરૂપે માછીમારો એલર્ટ, તેઓને સુરક્ષિત કાંઠા પર પરત ફરી દેવામાં કહેવાયું છે

અમદાવાદ,તા.૧ : બંગાળની ખાડીમાં બની રહેલ દબાણને કારણે ફરીથી વાવાઝોડાનું સંકટ માથા પર મંડરાયુ છે. આંધ્રપ્રદેશ અને ઓરિસ્સા પર ચક્રવાતી તોફાન આવી રહ્યું છે. બંગાળની ખાડીમાં એક તોફાન આકાર લઈ રહ્યુ છે, જે ૪ ડિસેમ્બર એટલે કે શનિવાર સુધી આંધ્રપ્રદેશ, ઓરિસ્સાના દરિયા કિનારો પહોંચી જશે. જેને જવાદ વાવાઝોડુ નામ આપવામાં આવ્યું છે. થોડા સમય બાદ આ ચક્રવાતી તોફાનનું રૂપ લઈ લેશે. જેની અસર ગુજરાતમાં થશે. જવાદ વાવાઝોડાના અસરના ભાગરૂપે માછીમારોને એલર્ટ કરી દેવાયા છે. હાલ તેઓને સુરક્ષિત કાંઠા પર પરત ફરી દેવામાં કહેવાયુ છે. બંગાળની ખાડીમાં હલચલને કારણે મોસમ વિભાગે આજથી ચાર દિવસ ઓરિસ્સા અને આંધ્રપ્રદેશમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. આ ઉપરાંત મોસમ વિભાગે પણ મુંબઈમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. મોસમ વિભાગે માહિતી આપતા જણાવ્યું કે, થાઈલેન્ડ અને તેના આસપાસના વિસ્તારોમાં બુધવારે સવારે દબાણનું વાતાવરણ બનશે. આ દબાણ ક્ષેત્ર આગામી ૧૨ કલાકમાં અંદમાન સાગર સુધી પહોંચવાની શક્યતા છે.

           તેના બાદ તે પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ તરફ વધતા ૨ ડિસેમ્બરના રોજ દક્ષિણ-પૂર્વ તથા નજીકના ખાડીના મધ્ય ભાગમાં પહોંચી શકે છે. તેના બાદ ૪ ડિસેમ્બર, શનિવારની સવારે ઉત્તરી આંધ્રપ્રદેશ-ઓરિસ્સાના દરિયાકાંઠે ટકરાવાની શક્યતા છે. આ દબાણને કારણે ઓરિસ્સાના દરિયા કાંઠે ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. ૨ ડિસેમ્બરના રોજ ગુજરાત, અને ઉત્તરી મધ્ય મહારાષ્ટ્રમાં અલગ અલગ જગ્યાએ ભારે વરસાદ થવાની શક્યતા છે. બીજી તરફ, કમોસમી માવઠાને લઈને ગુજરાતમાં મોટા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગ દ્વારા ૧ અને ૨ ડિસેમ્બર માવઠાની આગાહી કરાઈ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં પલટો આવવાના છે. જેથી ૨ ડિસેમ્બર બાદ ગુજરાતમાં તાપમાન વધુ ગગડી શકે છે. ૧ અને ૨ ડિસેમ્બર ખેડૂતોને પાક સુરક્ષિત જગ્યા પર મુકવા હવામાન વિભાગે સૂચન આપી છે. ૩ ડિસેમ્બર સુધી દરિયો ન ખેડવા માછીમારોને સુચના અપાઈ છે. ૨ દિવસ સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદી વાતાવરણ રહેશે. તો સાઉથ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ગામોમાં પણ ભારે વરસાદ રહશે તેવુ હવામાન વિભાગે જણાવ્યું છે. આ બાદ આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધશે.

(9:05 pm IST)