Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd December 2020

કપરાડાના ગામડાના રોડ અત્યંત બિસ્માર:જિલ્લો પંચાયતના પીડબલ્યુડી વિભાગની લાલિયાવાડીને લઇ લોકો પરેશાન

(કાર્તિક બાવીશી દ્વારા) વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અનેક ગામડાના મુખ્ય રોડ ખુબ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે. જેને લઇ ગ્રામ્ય પંથકના લોકો પરેશાન થઇ ગયા છે. વલસાડ જિલ્લા પંચાયત પીડબલ્યુડી વિભાગની લાલિયાવાડીને લઇ આ વિસ્તારમાં રોડનું પેચ વર્ક પણ થતું નથી. કપરાડાના ચીવલ ગામના નદીના પુલનો રોડ અત્યંત બિસ્માર છે. અહીંથી પસાર થવું લોખંડના ચણા ચાવવા બરાબર છે. આ સિવાય કપરાડાના ધારાસભ્ય જીતભાઇ ચૌધરીના ગામ કાકડકોપરના માર્ગો પણ અત્યંત બિસ્માર છે. આ બિસ્માર રોડને લઇ તેમના ગામના લોકો પણ પરેશાન થઇ ગયા છે.
કપરાડાના અંતરિયાળ એવા અનેક ગામોમાં રોડ બનાવવા માટે પીડબલ્યુડી વિભાગ દ્વારા લાલિયાવાડી ચાલી રહી છે. તેમના દ્વારા બનાવાતા રોડ એક વર્ષમાં જ ઉખડી જતા જોવા મળ્યા છે. જેનું પેચ વર્ક પણ તેમના દ્વારા સમયાંતરે થતું નથી. જેના કારણે આદિવાસી પંથકમાં આ સમસ્યા વક્ર બની છે. આ મામલે વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ મણીલાલ પટેલ અને ડીડીઓ અર્પિત સાગર ધ્યાન આપે એ જરૂરી બન્યું છે

(9:55 pm IST)