Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd December 2020

કોરોના મહામારી સામે લોકોને જાનના જોખમે સુરક્ષિત રાખતી પોલીસની વિશાળ ફોજ અને સેનાપતિઓ માટે સુરક્ષા ચક્ર

સ્કેનિગ અને સરવેલન્સ સિસ્ટમનો ગુજરાતમાં અમદાવાદથી પ્રારંભઃ ગાંધીનગરમાં પણ પ્રયોગ, અમદાવાદના ૨૮ પોલીસ મથકો અને વિવિધ બ્રાન્ચો આવરી લેવાઇ : પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલ અભૂતપૂર્વ પ્રોજેકટની રસપ્રદ વિગતો 'અકિલા' સમક્ષ જોઇન્ટ પોલીસ કમિશનર અજય ચૌધરી વર્ણવે છે

રાજકોટ, તા.૨: કોરોના મહામારી સામે લોકોને સંક્રમિત થતાં બચાવવા માટે કરફયુ સમય દરમિયાન લોકો ઘરની બહાર ન નીકળે તે માટે શિયાળાની ઠંડીમાં રોડ પર જાનના જોખમે ફરજ બજાવતી વિશાળ ફોજ તથા સેનાપતિઓને સંક્રમિત થતાં ઉગારવા માટે અમદાવાદના પોલીસ મથકો તથા પોલીસ કમિશનર ઓફિસ અને ગાંધીનગર મુખ્ય પોલીસ વડાની ઓફિસ વિગેરે સ્થળો પર કોરોના સ્કેનીગ અને સર્વેલન્સ સીસ્ટમ નો ગુજરાતમાં અમદાવાદ ગાંધીનગર થી પ્રારંભ થયો છે. ભવિષ્યમાં વિશાળ ફલક પર આવરી લેવાશે તેમ સૂત્રો જણાવે છે.

જોઇન્ટ પોલીસ કમિશ્નર (એડમન) અજયકુમાર ચૌધરીએ જણાવ્યું કે, હાલમાં પોલીસ કમિશ્નર કચેરીમાં કોરોના સર્વેલન્સ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. પોલીસ કમિશ્નરથી માંડી તમામ પોલીસ અધિકારી, કર્મચારીઓ આ સર્વેલન્સ સિસ્ટમ અંતર્ગત આરોગ્ય તપાસણી કરાવે છે. સ્કેનિંગ અંતર્ગત પોલીસ અધિકારી કર્મચારીના ટેમ્પરેચર આવે છે. હાલમાં શહેરના ૨૮ પોલીસ સ્ટેશનમાં કોરોના સ્કેનિંગ એન્ડ સર્વેલન્સ સિસ્ટમ શરૂ કરી દેવામાં આવી છે. બાકીના પોલીસ સ્ટેશન ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચ, સાયબર ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, મહિલા પોલીસ સ્ટેશન અને ટ્રાફિક પોલીસ સ્ટેશનો ઉપરાંત એસીપી, ડીસીપી અને જેસીપીની કચેરી બહાર પણ આ પદ્વતિ કાર્યરત કરવામાં આવશે. પોલીસ કમિશ્નર કચેરીની માફક જ ટ્રેઇન્ડ ફાર્મા પરસન ચકાસણી કરશે અને ડોકટરની સલાહ લઇને આવશ્યક વિટામીન્સ કે અન્ય દવાઓ વિનામૂલ્યે પૂરી પાડશે.

લોકોની સેવા માટે સતત ખડેપગે ડીજીપી કચેરી, કલેકટર કચેરીમાં આ સિસ્ટમ અમલી બનાવવામાં આવી છે. પોલીસ સ્ટેશનોમાં તેમજ પોલીસ કર્મચારીને પણ નાસ લેવાના મશીન પૂરા પાડવામાં આવી રહ્યાં છે. એ જ રીતે સિનિયર સિટીઝનોને પણ ટ્રસ્ટ તરફથી નાસ લેવાના ૫૦૦૦ મશીન પુરા પાડવામાં આવ્યાં છે.

ઉલ્લેખનિય છે કે, પોલીસ સ્ટેશનોમાં કોરોના સ્ક્રેનિંગ અને સર્વેલન્સ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પોલીસ કર્મચારીના આરટીપીસીઆર રીપોર્ટ કાઢવા માટેની ડ્રાઇવ મંગળવાર, તા.૧થી શરૂ કરવામાં આવનાર છે.

(2:52 pm IST)