Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd December 2020

માસ્ક પહેરજો નહિતર કોવિડ કેર સેન્ટરમાં સેવા આપવી પડશે

ગુજરાતમાં કોરોનાનું તાંડવ હોવા છતા લોકો બેદરકાર બનતા હાઈકોર્ટ આકરા પાણીએઃ માસ્ક નહિ પહેરનારા સામે કઠોર અને કડક વલણ અપનાવ્યું : માસ્ક નહિ પહેરનારાએ કોવિડ કેર સેન્ટરમાં ફરજીયાત ૫ થી ૬ કલાક સેવા આપવી પડશેઃ ૫ થી ૧૫ દિવસનો સમયગાળો સેવા માટેનો સરકાર નક્કી કરશેઃ સરકારને જાહેરનામુ-પરિપત્ર બહાર પાડવા હાઈકોર્ટનો આદેશ

અમદાવાદ, તા. ૨ :. ગુજરાતમાં વધી રહેલા કોરોનાના કેસને મામલે ગુજરાત હાઈકોર્ટ આકરાપાણીએ આવી ગઈ છે. હાઈકોર્ટે આદેશ આપ્યો છે કે માસ્ક નહિ પહેરનાર લોકોએ કોવિડ કેર સેન્ટરમા ફરજીયાતપણે સામુદાયિક સેવા કરવી પડશે. અત્રે નોંધનીય છે ગુજરાતમાં કોરોના કહેર વર્તાવી રહ્યો છે છતા અનેક લોકો માસ્ક નથી પહેરતા. આજે હાઈકોર્ટે આદેશ આપ્યો છે કે આજથી માસ્ક નહી પહેરનાર લોકોએ કોરોના કેર સેન્ટરમાં ફરજીયાત સેવા આપવી પડશે. એટલુ જ નહિ અદાલતે આ બારામાં જાહેરનામુ બહાર પાડવા પણ આદેશ આપ્યો છે.

ગુજરાત હાઈકોર્ટે કોરોનાના મામલે મહત્વનો નિર્ણય લેતા કહ્યુ છે કે જે લોકો માસ્ક નહી પહેરે તે લોકોએ કોવિડ કેરમાં સેવા આપવી પડશે. જે ઓછામાં ઓછા ૪ કલાક અને વધુમાં ૬ કલાક રહેશે. આ કોમ્યુનિટી સેવાનો સમય ૧૦ દિવસથી ૧૫ દિવસ રાખી શકાશે. જે સરકાર નક્કી કરશે. સરકાર ઉંમર અને લાયકાતના ધોરણે જવાબદારી નક્કી કરશે. હાઈકોર્ટે કહ્યુ છે કે મોટાભાગે જવાબદારી નોનમેડીકલ પ્રકારની રહેશે. 

ગુજરાત હાઈકોર્ટે આજે કહ્યુ હતુ કે આ પગલાથી રાજ્ય સરકારને કોરોનાનો ફેલાવો રોકવામા મદદ મળશે અને બેદરકાર લોકો જાગૃત થઈ જશે. કોર્ટે કહ્યુ હતુ કે રાજ્ય સરકાર આવી પોલીસી લાવવાની બાબતમાં ગુંચમાં હતી. સરકારને પોલીસી અમલમાં મુકતા મુશ્કેલી થઈ રહી છે. આથી હાઈકોર્ટે રાજ્ય સરકારને માસ્ક ન પહેરનારા, સોશ્યલ ડીસ્ટન્સ અને અન્ય નિયમોનુ પાલન નહી કરનારા લોકો માટે કોવિડ કેર સેન્ટરમાં સેવા આપવાનો પરિપત્ર બહાર પાડવા જણાવાયુ છે.

અત્રે નોંધનીય છે કે ગુજરાતમાં કોરોના કહેર મચાવી રહ્યો છે. મહાનગરોમાં રાત્રી કર્ફયુ અમલી છે. ૧૦૦૦ સુધીનો દંડ પણ વસુલવામા આવી રહ્યો છે છતા ઘણા લોકો માસ્ક વગર ફરતા દેખાય છે. જેની હાઈકોર્ટે ગંભીર નોંધ લીધી છે અને તેઓને કોવિડ કેર સેન્ટરમાં સેવા આપવા મોકલવા સરકારને આદેશ આપ્યો છે. હવે રાજ્ય સરકારે કાર્યવાહી કરવી જ પડશે.

(3:31 pm IST)