Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd December 2020

શૈક્ષણિક - બિનશૈક્ષણિક કર્મચારીના ૫૦ ટકા સ્ટાફને ઓનલાઈન શિક્ષણ માટે શાળાએ બોલાવી શકાશેઃ સ્પષ્ટતા

શિક્ષકોની હાજરી અંગે શાળા સંચાલકોના જુદા જુદા અર્થઘટન અંગે વિભાગે સ્પષ્ટતા કરીઃ ઓનલાઈન શિક્ષણ માટે સરકારની એસઓપીના પાલન સાથે બોલાવવાના રહેશે

અમદાવાદ, તા. ૨ :. રાજ્યની શાળાઓમાં હાલમાં ઓનલાઈન શિક્ષણ ચાલી રહ્યુ છે ત્યારે શિક્ષકો અને બિનશૈક્ષણિક કર્મચારીઓની હાજરીને લઈને શાળા સંચાલકો દ્વારા જુદા જુદા અર્થઘટન કરવામાં આવતા હોય રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર કરી આ મુદ્દે સ્પષ્ટતા કરી છે. જે મુજબ દરેક શાળાઓમાં શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીના ૫૦ ટકા સ્ટાફને ઓનલાઇન શિક્ષણ માટે બોલાવી શકાશે. આ માટે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી એસઓપીનું પણ શાળાઓએ પાલન કરવાનું રહેશે તેમ પણ જણાવાયુ છે.

રાજ્યમાં કોરોના મહામારીના કારણે શાળાઓ વિદ્યાર્થીઓ માટે બંધ કરી દેવામાં આવી છે અને માત્ર શિક્ષકો અને અન્ય સ્ટાફ જ હાલમાં શાળાઓમાં જાય છે. અગાઉ સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ૫૦ ટકાના મહેકમ સાથે કામગીરી કરવા માટે સૂચના અપાઈ હતી અને તે અંગે પરિપત્ર પણ બહાર પાડવામાં આવ્યો હતો. જો કે તે પરિપત્રોનો શાળાઓ દ્વારા પોતપોતાની રીતે જુદા જુદા અર્થઘટન કરવામાં આવતા મુશ્કેલીઓ સામે આવી હતી. જેને લઈને ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષક સંઘ અને ગુજરાત રાજ્ય ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક સંઘ દ્વારા શિક્ષણ વિભાગને પત્ર લખી શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓની હાજરીને લઈને સ્પષ્ટતા કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.

અગાઉ સવાર અને બપોર પાળીની શાળાઓને લઈને પણ કામગીરી અંગે ખોટું અર્થઘટન કરવામાં આવ્યુ હતુ. જેથી વિભાગ દ્વારા આ મુદ્દે સ્પષ્ટતા કરવામાં આવી છે. જેમાં જણાવાયુ છે કે કોરોનાના પગલે રાજ્યની તમામ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ સવાર પાળીમાં એટલે કે સવારના ૭.૩૦ વાગ્યાથી બપોરના ૧૨ વાગ્યા સુધી જ ચાલુ રાખવામાં આવનાર છે. આ સંજોગોમાં શાળાઓમાં શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફના ૫૦ ટકા સ્ટાફ ઓનલાઈન શિક્ષણ માટે સ્કૂલમાં બોલાવવાનો રહેશે. આમ એક સ્કૂલમાં ૫૦ ટકા સ્ટાફને જ બોલાવવાની સૂચના અપાઈ છે. આ નિર્ણયના પગલે સ્કૂલમાં કુલ સ્ટાફને સપ્તાહમાં ત્રણ જ દિવસ માટે સ્કૂલ ખાતે બોલાવી શકાશે. જો કે આ સ્ટાફ સ્કૂલમાં આવે ત્યારે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા નક્કી કરવામાં આવેલી એસઓપીનું પાલન કરવાનું રહેશે તેવી સૂચના આપવામાં આવી છે. જેથી સ્કૂલમાં ઓનલાઈન શિક્ષણ માટે આવતા સ્ટાફને કોરોના મહામારીથી બચાવી શકાય.

(11:25 am IST)