Gujarati News

Gujarati News

News of Sunday, 2nd December 2018

રિમાન્ડ માટે સાયન્ટિફિક ટેસ્ટ કરાવવાના કારસાથી હોબાળો

કલોલમાં પત્નીના મોતના પ્રકરણમાં નવો વળાંક : રિમાન્ડ માટેના રજૂ કરાયેલા કારણને લઇને ભારે વિવાદ

અમદાવાદ, તા.૨ : કલોલમાં પત્નીને આત્મહત્યા માટે દુષ્પ્રેરણ કરી તેના રહસ્યમય સંજોગોમાં થયેલા મોતના ચકચારભર્યા કેસમાં એક નવો વળાંક આવ્યો છે. કલોલ તાલુકા પોલીસે આરોપી પતિના પાંચ દિવસના વધુ રિમાન્ડ માંગ્યા તેમાં એક કારણ આરોપીના એલવીએ(પોલીગ્રાફિક) અને એસટીએસ ટેસ્ટ કરાવવાના હોવાથી તેના રિમાન્ડ જરૂરી હોવાનું જણાવ્યું હતું. થર્ડ એડિશનલ સિવિલ જજ અને જયુડીશીયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટકલાસ એ.એમ.શુકલએ આરોપીના રિમાન્ડ પણ આપી દીધા. જેથી રિમાન્ડના ઓથા હેઠળ પોલીસ આરોપી પતિના સાયન્ટિફિક  ટેસ્ટ બારોબાર એફએસએલમાં કરાવી ના નાંખે તે માટે વરિષ્ઠ ધારાશાસ્ત્રી આર.જે.ગોસ્વામી દ્વારા કલોલ તાલુકા પોલીસ, એફએએસએલના ડાયરેકટર, ગૃહવિભાગ સહિતના સરકારના સંબંધિત સત્તાવાળાઓને મહત્વની કાનૂની નોટિસ ફટકારી એવી સ્પષ્ટ તાકીદ કરવામાં આવી છે. પ્રસ્તુત કેસમાં સુપ્રીમકોર્ટના શેલ્વી વિરૂધ્ધ સ્ટેટ ઓફ કર્ણાટકના ૨૦૧૦ (૭) એસસીસી પાના નં-૨૬૩ ચુકાદા મુજબ, સુપ્રીમકોર્ટે નિર્દિષ્ટ કરેલી પ્રક્રિયાનું અનુસરણ કર્યા વિના કોઇપણ સંજોગોમાં આરોપી પતિના સાયન્ટિફિક ટેસ્ટ કરવા નહી. અન્યથા આ તમામ સત્તાવાળાઓ વિરૂધ્ધ સુપ્રીમકોર્ટના ચુકાદાના ઉલ્લંઘન અને અદાલતી તિરસ્કારની કાર્યવાહી કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. કલોલના પંચવટી એરિયામાં સંસ્કૃતિ બંગલોઝ ખાતે રહેતાં સંદીપ પ્રવીણભાઇ પટેલ(મૂળ વતન,બોરીસણા)ના લગ્ન ૨૦૦૨માં શીતલબહેન સાથે થયા હતા. લગ્નમાં તેમને બે સંતાન હતા. સંદીપભાઇ નાગરિકોને વિદેશ મોકલવાના વ્યવસાય સાથે સંકળાયેલા હતા, જેમાં છેલ્લા કેટલાક સમયમાં દેવું થઇ જતાં પોતાની પત્નીને પિયરમાંથી પૈસાની મદદ લાવવા કહ્યું હતું પરંતુ તે નહી લાવી શકતાં અવારનવાર શારીરિક માનસિક ત્રાસ અપાતો હતો અને આ પ્રકરણમાં છેવટે ગયા મહિને નર્મદા કેનાલમાં ઝંપલાવી પત્ની શીતલબેહેને મોત વ્હાલું કર્યું હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરાયો છે.

આ ગુનામાં અગાઉ કલોલના  એડિશનલ સિનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જયુડીશીયલ મેજિસ્ટ્રેટ ડી.એસ.ઠાકરે આરોપી પતિના સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. એ પૂર્ણ થયા તે પછી ન્યાયાધીશ એ.એમ.શુકલએ વધુ પાંચ દિવસના રિમાન્ડ આપ્યા હતા. ચોંકાવનારી વાત એ હતી કે, પોલીસે રિમાન્ડ અરજીના કારણોમાં એક કારણ એ લખ્યુ હતું કે, આરોપી પતિના એલવીએ(પોલીગ્રાફિક) અને એસટીએસ ટેસ્ટ કરાવવાના હોવાથી તેના રિમાન્ડ જરૂરી છે. કલોલ કોર્ટે રિમાન્ડ મંજૂર કરતાં આરોપી પતિ તરફથી સિનિયર એડવોકેટ આર.જે.ગોસ્વામી અને એડવોકેટ ધ્રુવ બી.ગોસ્વામીએ કલોલ તાલુકા પોલીસ, એફએસએલના ડાયરેકટર, રાજયના ગૃહવિભાગ સહિત સરકારના સત્તાવાળાઓને મહત્વની કાનૂની નોટિસ ફટકારી છે અને એવી સ્પષ્ટ તાકીદ કરી છે કે, સુપ્રીમકોર્ટે નિર્દિષ્ટ કરેલી પ્રક્રિયાનું અનુસરણ કર્યા વિના કોઇપણ સંજોગોમાં આરોપી પતિના સાયન્ટિફિક ટેસ્ટ કરવા નહી. સિનિયર એડવોકેટ આર.જે.ગોસ્વામીએ જણાવ્યું હતું કે, પોલીસ રિમાન્ડ અરજીમાં સાયન્ટિફિક ટેસ્ટની માંગણી કરી શકે નહી અને તે માટે અલગથી અરજી કરવી પડે. વળી, સુપ્રીમકોર્ટે શેલ્વીના ચુકાદામાં સ્પષ્ટ જણાવ્યું છે કે, કોઇપણ સાયન્ટિફિક ટેસ્ટ કરાવવો હોય તો મેજિસ્ટ્રેટ રૂબરૂ આરોપીની મંજૂરી-સંમંતિની જરૂરી છે. આરોપીની સંમંતિ કે મંજૂરી વિના કોઇપણ સાયન્ટિફિક ટેસ્ટ કરી શકાય નહી.એટલું જ નહી, મેજિસ્ટ્રેટ રૂબરૂ આરોપીની મંજૂરી લેવાની પ્રક્રિયા દરમ્યાન આરોપીના વકીલની હાજરી પણ અનિવાર્ય છે. આ સંજોગોમાં પ્રસ્તુત કેસમાં સુપ્રીમકોર્ટના ચુકાદાનું પાલન કર્યા વિના કલોલ પોલીસ આરોપી પતિના સાયન્ટિફિક ટેસ્ટ કરાવી શકે નહી. જો પોલીસ તેમ કરશે તો, સુપ્રીમકોર્ટના ચુકાદાનું ઉલ્લંઘન અને અદાલતી તિરસ્કાર ગણાશે અને અમે પોલીસ સહિતના સંબંધિત સત્તાવાળાઓ વિરૂધ્ધ અદાલતી તિરસ્કારની કાર્યવાહી કરીશું.

(9:05 pm IST)