Gujarati News

Gujarati News

News of Sunday, 2nd December 2018

સુરતમાં હવેથી પાર્કિંગની જગ્‍યા ન હોય તે કાર ખરીદી નહીં શકે !: પાર્કિંગ પોલીસીનો અમલ શરૂ : આ પોલિસી લાગુ કરનાર રાજ્યનું પ્રથમ શહેર બન્યું

 

સુરત: શનિવારે રાજ્ય સરકારે પાર્કિંગ પોલીસી મંજૂર કર્યા બાદ ડાયમંડ સિટી સુરત આ પોલીસી લાગુ કરનારું રાજ્યનું પ્રથમ શહેર બન્યું. પ્રાપ્ત થયેલી માહિતી પ્રમાણે, ગલીમાં અને ગલી સિવાયની જગ્યાએ પાર્કિંગ માટેની સુરત મહાનગરપાલિકા (SMC)ની પાર્કિંગ પોલીસીને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લીલી ઝંડી બતાવી છે. પાર્કિંગ માટે નાગરિકો પાસેથી કેટલો ચાર્જ લેવામાં આવશે તે મહાનગરપાલિકા નક્કી કરશે.

2017માં SMCએ નવી પાર્કિંગ પોલીસી રજૂ કરી હતી જે અંતર્ગત રોડ સાઈડ પાર્કિંગ કરનાર પાસેથી દંડની મોટી રકમ લેવાની હતી. સાથે જ એવી રજૂઆત પણ કરાઈ હતી કે ઘર પાસે કાર પાર્ક કરવાની જગ્યા હોય તો જ વ્યક્તિ કાર ખરીદી શકે. જો કે ભાજપ શાસિત મહાનગરપાલિકાએ આ પોલીસી અને અન્ય પ્રપોઝલ નામંજૂર કર્યા હતા કારણકે 2017માં રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી હતી એવામાં લોકોના ક્રોધનો સામનો ન કરવો પડે.

સુરતના મ્યુનિસિપલ કમિશ્નરે કહ્યું કે, “રાજ્ય સરકારની મંજૂરી બાદ નવી પાર્કિંગ પોલીસી અમલમાં મૂકનાર સુરત રાજ્યનું પ્રથમ શહેર છે. શહેરમાં વાહનોની સંખ્યા વધી રહી છે ત્યારે પાર્કિંગ પોલીસની મંજૂરી મળતા પાર્કિંગ સમસ્યાનો નિવેડો આવશે. ગલીમાં પાર્કિંગ કરવા માટે દરેક મ્યુનિસિપલ ઝોનમાં કેટલાક સ્પોટ નક્કી કરવામાં આવ્યા છે. સ્પોટ નક્કી કરવાની કામગીરી નેશનલ અર્બન ટ્રાન્સપોર્ટ પોલીસી (NUTP), 2006 હેઠળ કરવામાં આવી છે. પોશ વિસ્તાર સહિતના અન્ય વિસ્તારોમાં પાર્કિંગ ચાર્જ સાથે પાર્કિંગ કરવા દેવાશે. ગલીઓમાં પાર્કિંગની સુવિધા ટૂંક સમયમાં જ શરૂ કરાશે. શહેરમાં નો પાર્કિંગ ઝોન પણ નક્કી કરી દેવાયા છે અને તેનું અમલીકરણ યુદ્ધના ધોરણે કરાશે.”

SMC કમિશ્નરના મતે, પાર્કિંગની વ્યવસ્થા જાળવવા માટે મહાનગપાલિકા સેલ બનાવશે. ઓન-સ્ટ્રીટ અને ઓફ-સ્ટ્રીટ પાર્કિંગની વ્યવસ્થા જાળવવા માટે કામદારોની ભરતી કરવામાં આવશે. પાર્કિંગ પોલીસીનો મુખ્ય ઉદ્દેશ શહેરમાં ટ્રાફિકનું નિયમન કરવાનો અને પાર્કિંગની વ્યવસ્થિત સુવિધા આપવાનો છે. નાગરિકોની સુવિધા માટે કેટલાક રોડ પર ઓન રોડ પાર્કિંગની સુવિધા આપવામાં આવી છે. જેથી અઠવાલાઈન્સ, રિંગ રોડ, અડાજણ, આનંદ મહેલ રોડ, પાલ રોડ અને ઉધના દરવાજા પર ભીડની સમસ્યા દૂર થશે.

(3:20 pm IST)