Gujarati News

Gujarati News

News of Sunday, 2nd December 2018

અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ઘરફોડ ચોરીના હરિયાણા ગેંગના ત્રણ આરોપીઓને મોટેરા આશ્રમ પાસેથી ઝડપી લીધા

ચોરીને અંજામ આપવા મુખ્ય આરોપી હરિયાણાથી ફ્લાઈટમાં આવનજાવન કરતો

 

અમદાવાદ :ક્રાઇમ બ્રાન્ચે ઘરફોડ ચોરી કરતા ત્રણ આરોપીઓને મોટેરા આશ્રમ પાસેથી ઝડપી લીધા છે. ત્રણેય આરોપીઓમાંથી મુખ્ય આરોપી ચોરી કરવા ફ્લાઇટમાં આવતો હતો. તેમજ ચોરીને અંજામ આપ્યા બાદ ફ્લાઇટમાં હરિયાણા જતો રહેતો હતો.

હરિયાણા ગેંગનો મુખ્ય સાગરીત સતપાલ સિંહ, જે મૂળ હરિયાણાનો રહેવાસી છે. તે ચોરીને અંજામ આપવા માટે પ્લેનમાં અવરજવર કરતો હોવાનું સામે આવ્યું છે. તેમજ વર્ષો અગાઉ ભારતીય ફોજમાં નોકરી કરતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

બે આરોપીઓ ચોરીને અંજામ આપતા પહેલા સ્થળની રેકી કરી લેતા હતા. ઘટનાને અંજામ આપતી વખતે સતપાલ સિંહ ચોરી કરતો અને અન્ય બે આરોપીઓ વોચમાં રહેતા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલવા પામ્યું છે.

આગાઉ આરોપી વર્ષ 2016 ની સાલમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ગિરફ્તમાં આવી ચુક્યો છે. વર્ષ 2016માં પણ આરોપી ઘરફોડ ચોરીના ગુનામાં પકડાઈ ગયો હતો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે હાલ તો આરોપીઓ પાસેથી ચોરીનો 19 લાખનો મુદ્દામાલ કબજે કરી ધરપકડ કરી લીધી છે.

(12:03 am IST)