Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2017

દિવ્યાંગો માટે ૫૧ ફુટ ઉંચી કાખઘોડી ઉભી કરવા રેકોર્ડ

વિશ્વ વિકલાંગ દિવસની નવસર્જન દ્વારા ઉજવણીઃ વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયા તરફથી પ્રમાણપત્ર અને બુકમાં સ્થાન અપાયું : દિવ્યાંગ બાળકની સંસ્થાની અનોખી સિધ્ધિ

અમદાવાદ,તા.૨,        આવતીકાલે તા.૩જી ડિસેમ્બરે વિશ્વ વિકલાંગ દિવસ છે અને ખુદ વડાપ્રધાન મોદીએ દિવ્યાંગો માટે કરેલી અનોખી પહેલના અભિગમ્યતા અભિયાન અંતર્ગત શહેરના મેમનગર વિસ્તારમાં આવેલ નવસર્જન ચેરિટેબલ ટ્રસ્ટ અને તેની સંસ્થા ડો.હરિકૃષ્ણ ડાહ્યાભાઇ સ્વામી સંસ્થાએ દિવ્યાંગોની પ્રતિકાત્મક ૫૧ ફુટ ઉંચી કાખઘોડી ઉભી કરવાનો અનોખો વિશ્વ વિક્રમ સ્થાપ્યો છે. સંખ્યાબંધ દિવ્યાંગ બાળકોના હસ્તે જ આ ૫૧ ફુટ ઉંચી કાખઘોડીની પ્રતિકૃતિ પ્રસ્થાપિત કરાઇ હતી. આ પ્રસંગે વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયાના અધિકારીઓએ ખુદ રૃબરૃ હાજર રહી નવસર્જન ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી ડો.સુભાષ આપ્ટે અને સંચાલક નીલેશ પંચાલને વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયા બુકમાં સ્થાન આપી તેમને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. આ સાથે જ દિવ્યાંગોની અનોખી સિધ્ધિને ગિનિસ બુક ઓફ વર્લ્ડમાં પણ સ્થાન મળશે. આ અંગે નવસર્જન ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી ડો.સુભાષ આપ્ટે અને સંચાલક નીલેશ પંચાલે જણાવ્યું હતું કે, કાખઘોડીની મોટામાં મોટી પ્રતિકૃતિનો અગાઉનો વર્લ્ડ રેકોર્ડ એસીકોન અને જે બી કેમીકલ્સના દિલ્હીના નામે હતો પરંતુ તેની ઉંચાઇ ૪૫ ફુટ હતી. હવે નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૫૧ ફુટની કાખઘોડી વિશ્વ અપંગ દિનની ઉજવણીના ભાગરૃપે પ્રસ્થાપિત કરી અનોખો વર્લ્ડ રેકોર્ડ સ્થાપી દેશ અને દુનિયામાં અમદાવાદ અને ગુજરાતનું નામ રોશન કર્યું છે. વિશ્વ ઁઅપંગ દિનની ઉજવણીના ભાગરૃપે સંસ્થા દ્વારા દિવ્યાંગો માટેના અલગ-અલગ કાર્યક્રમોના આયોજન થઇ રહ્યા છે.

દિવ્યાંગોની મુશ્કેલી અને સમાજ તરફથી અપેક્ષિત વલણ પરત્વે ધ્યાન દોરતાં નવસર્જન ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી ડો.સુભાષ આપ્ટે અને સંચાલક નીલેશ પંચાલે વધુમાં ઉમેર્યું હતું કે, અભિગમ્યતા(એક્સેસેબીલિટી)દિવ્યાંગ વ્યકિતઓની સૌથી મોટી મુશ્કેલી છે. ભારતમાં દિવ્યાંગ વ્યકિતઓ કે બાળકો માટે હોસ્પિટલ, ગાર્ડન, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેન્ડ, એરપોર્ટ સહિતના જાહેર સ્થળો પર તેમને મદદરૃપ સુવિધા કે સાધનો હજુ ઉપલબ્ધ બની શકયા નથી તે કરૃણતા છે. અલબત્ત વડાપ્રધાન મોદીએ આખરે આ દિશામાં હકારાત્મક પહેલ કરી છે. શારીરિક વિકલાંગ વ્યકિતઓને સારા અને ઢાળવાળા રસ્તા, લીફ્ટ, સ્પીકર જેવા સાધનો દ્વારા અભિગમ્યતાની સગવડ આપી શકાય છે. માનસિક દિવ્યાંગને લખેલ સૂચના વાંચતા આવડતી ના હોઇ તેમના માટે સરળતાથી સમજી શકાય તેવા પ્રતિકો અને નિશાની-ચિહ્નો મૂકવા ખૂબ જરૃરી છે. સમાજે પણ આ અઁગે લોકજાગૃતિ કેળવવી પડશે અને દિવ્યાંગોને સાથે રાખી સમાન હરોળમાં લાવવા પડશે. આ પ્રસંગે વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયાના પ્રમુખ પાવન સોલંકીએ જણાવ્યું હતું કે, ૫૧ ફુટ ઉંચી આ કાખઘોડી વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામે તે માટે ડિઝાઇનીંગ અને વેલ્યુએશન પર ખાસ ધ્યાન અપાયું.

 આ કાખઘોડી તૈયાર કરનાર નટવરલાલ પટેલ અને વેલ્યુઅર હરેન્દ્રભાઇએ ભારે જહેમત ઉઠાવી હતી. પંદર દિવસની ભારે જહેમત બાદ તૈયાર થયેલી આ કાખઘોડી પ્રસ્થાપિત કરતી વખતે સલામતી,  તેની ટકાઉતા સહિતના તમામ પાસા ધ્યાનમાં લેવાયા હતા.

 

(10:43 pm IST)