Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2017

નવા મતદારને ઇલકેશન કાર્ડ આપવાનું કામ વધુ તીવ્ર થયુ

અમદાવાદમાં એક લાખથી વધુ મતદારો ઉમેરાયાઃ ૧૦મી ડિસેમ્બર પહેલા નવા મતદારોને ઇલેકશન કાર્ડ વિતરણની કામગીરી પૂર્ણ કરાશે : દરેકને કાર્ડ મળી જશે

અમદાવાદ,તા.૨: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે નવા મતદારોને ઇલેકશન કાર્ડ સમયસર પહોંચાડવા માટે કલેક્ટોરેટ તંત્ર કામે લાગ્યું છે. વિધાનસભાની આ વખતની ચૂંટણીમાં રાજયભરમાંથી કુલ ૧૨.૩૭ લાખ યુવા મતદારો સૌપ્રથમવાર તેમના મતાધિકારનો ઉપયોગ કરવા જઇ રહ્યા છે. અમદાવાદ જિલ્લામાં એક લાખથી વધુ યુવા મતદારો મતદાર યાદીમાં ઉમેરાયા છે. આ તમામ મતદારોને તા.૧૦મી ડિસેમ્બર પહેલા ઇલેકશન કાર્ડ પહોંચાડી દેવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. કલેકટર કચેરી દ્વારા બુથ લેવલના અધિકારીઓ મારફતે નવા મતદારોના ઇલેકશન કાર્ડ રવાના પણ કરી દેવાયા છે. મતદાન પહેલાં દરેક યુવા મતદારોને તેમના ઇલેકશન કાર્ડ મળી જાય તેનું ખાસ ધ્યાન રખાઇ રહ્યું છે અને આ માટેનું આયોજન ગોઠવાયું છે.

અમદાવાદ જિલ્લાની તમામ વિધાનસભા બેઠકો પર સુરક્ષા અને સલામતી બંદોબસ્ત માટે પણ તંત્ર દ્વારા ખાસ કવાયત હાથ ધરવામાં આવી છે. સ્થાનિક પોલીસને જિલ્લાના મતદાનમથકોએ નહી પરંતુ અન્ય તાલુકા કક્ષાએ ફરજ કામગીરી સોંપાશે અને તેઓને ત્યાં બંદોબસ્તમાં મૂકાશે. કાયદો અને વ્યવસ્થાની અમલવારી ટાણે નાના પોલીસ કર્મચારીઓને કોઇની શેહશરમ કે સંકોચમાં આવવાની પરિસ્થિતિ ઉભી ના થાય તે હેતુથી તેઓને અન્ય તાલુકા મથકોએ ફરજ પર તૈનાત કરવાનું નક્કી થયું છે. અમદાવાદ જિલ્લાની વિધાનસભા બેઠકોની વાત કરીએ તો, આ વખતે વિરમગામ બેઠક પર ૫૫૦૦, સાણંદ ૪૩૫૦, ઘાટલોડિયા ૮૦૦૦, વેજલપુરમાં ૬૦૦૦, વટવામાં ૪૦૦૦, એલિસબ્રીજમાં ૪૦૦૦, નારણપુરામાં ૩૫૦૦, નિકોલમાં ૩૮૦૦, નરોડામાં ૬૧૦૦, ઠક્કરબાપાનગરમાં ૪૭૮૬, બાપુનગરમાં ૩૦૪૮, અમરાઇવાડીમાં પાંચ હજાર, દરિયાપુરમાં ૨૭૫૦, જમાલપુર-ખાડિયા ૨૯૯૫, મણિનગર ૪૨૫૦, દાણીલીમડા ૩૮૦૦, સાબરમતી ૫૧૦૦, અસારવામાં ૩૭૨૫, દસ્ક્રોઇમાં ૮૬૬૬, ધોળકામાં ૪૨૩૪ અને ધંધુકામાં ૭૬૫૦ સહિત કુલ એક લાખથી વધુ યુવા મતદારો નોંધાયા છે. જેમાં સૌથી વધુ દસ્ક્રોઇ અને ધંધુકામાં, જયારે સૌથી ઓછા મતદારો દરિયાપુરમાં નોંધાયા છે.

 

(8:10 pm IST)