Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2017

આરટીઓ કચેરીમાં હજુ પણ આધાર માન્ય ન થતા હેરાની

આધાર કાર્ડને સર્વોચ્ચ પ્રાથમિકતા વચ્ચે ઉદાસીનતાઃ એક યુવકનું આધાર આરટીઓએ નહીં ચલાવ્યું તો, તેણે પહેલા પાસપોર્ટ કઢાવ્યો ને પછી તેના આધારે લાઇસન્સ

અમદાવાદ,તા.૨: એકબાજુ, મોદી સરકાર દેશભરમાં બેંકો, પોસ્ટ, ઇન્કમટેક્સ સહિત તમામ બાબતોમાં આધારકાર્ડને ફરજિયાત બનાવી રહી છે અને તે માટેની મોટી મોટી ઝુંબેશ અને જાહેરાતો ચલાવી રહી છે ત્યારે બીજીબાજુ, અમદાવાદ આરટીઓ કચેરીમાં આધારકાર્ડને જ માન્યતા નથી. લાઇસન્સ કઢાવવા માટે જો કોઇ પાસે ઇલેકશન કાર્ડ કે અન્ય કોઇ પુરાવા ના હોય તો તેની અવેજીમાં આધારકાર્ડ આરટીઓ સત્તાવાળાઓ ચલાવતા જ નથી. તાજેતરમાં આવા જ એક કિસ્સામાં એક યુવક પાસે ઇલેકશન કાર્ડ સહિતના બીજા અન્ય પુરાવા ન હતા, તેણે આધારકાર્ડના સહારે લાઇસન્સ કઢાવવાનો પ્રયાસ કર્યો પરંતુ આરટીઓ સત્તાવાળાઓએ તેનું આધારકાર્ડ ના ચલાવ્યું, કંટાળેલા યુવકે છેવટે પહેલા આધારકાર્ડની મદદથી પહેલા પાસપોર્ટ કઢાવી લીધો, જે માત્ર ૧૮ જ દિવસમાં આવી ગયો અને તે પાસપોર્ટના સહારે પછીયુવકે આરટીઓમાંથી પોતાનું ડ્રાઇવીંગ લાઇસન્સ કઢાવ્યું. આવી છે અમદાવાદ આરટીઓ તંત્રની બલિહારી.સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે, જે આધારકાર્ડ આરટીઓ તંત્ર નથી ચલાવતું, તે આધારકાર્ડની મદદથી યુવકનો પાસપોર્ટ માત્ર ૧૮ જ દિવસમાં નીકળી ગયો અને તે પાસપોર્ટના આધારે તેને લાઇસન્સ કઢાવવું પડયું. આરટીઓ તંત્રની બીજી શરમજનક વાત તો એ છે કે, ૧૮ દિવસમાં લાઇસન્સની વાત તો બાજુ પર રહી દોઢ-બે મહિના પહેલાની એપોઇન્ટમેન્ટ પણ મળતી નથી. આરટીઓ તંત્રના અણઘડ વહીવટ અને બિનઆયોજન કાર્યપધ્ધતિના કારણે રોજબરોજ આરટીઓ કચેરીમાં આવતા હજારો નાગરિકો અને વાહનચાલકો હેરાન-પરેશાન થઇ રહ્યા છે. આ અંગે અમદાવાદ મોટર ડ્રાઇવીંગ સ્કૂલ ઓનર્સ એસોસીએશનના મહામંત્રી રમેશભાઇ ગીડવાણીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર ખુદ અને વડાપ્રધાન મોદી અને નાણાંમંત્રી અરૂણ જેટલી સહિતના મહાનુભાવો ખુદ આધારકાર્ડને બેંક, પોસ્ટ, ઇન્કટેક્સ, પાસપોર્ટ સહિતની તમામ જગ્યાએ ફરજિયાત બનાવી તેના વપરાશ અને ઉપયોગ પર પ્રાધાન્યતા આપી રહી છે. હવે તો સુપ્રીમકોર્ટે પણ આધારકાર્ડના મામલે હકારાત્મક અભિગમ દાખવ્યો છે તેમ છતાં આરટીઓ સત્તાવાળાઓના જક્કી અને જડ વલણના કારણે આધારકાર્ડ હજુ પણ કચેરીમાં માન્ય નથી. જેના કારણે રોજના સેંકડો લોકો હેરાન થઇ રહ્યા છે. એસોસીએશનના મહામંત્રી રમેશભાઇ ગીડવાણીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, રોજના સેંકડો નાગરિકો અને વાહનચાલકો એવા આવે છે કે, જેઓની પાસે ઇલેકશન કાર્ડ સહિતના અન્ય પુરાવાઓ ના હોય તેઓ આધારકાર્ડ લઇને આવે છે અને અમારે તેઓને દુઃખ સાથે માહિતી આપવી પડે છે કે, આધારકાર્ડ આરટીઓ સત્તાવાળાઓ ચલાવતા નથી, તેની સાથે અન્ય પુરાવા મૂકવા ફરજિયાત છે. ઉલ્લેખનીય છે કે, આધારકાર્ડને ચલાવવા મુદ્દે આરટીઓ સત્તાવાળાઓ સમક્ષ વારંવાર માંગણીઓ પણ થઇ છે અને આરટીઆઇ હેઠળ માહિતી પણ મંગાઇ છે પરંતુ આરટીઓ સત્તાવાળાઓ આધારકાર્ડને જન્મના પુરાવા તરીકે માન્ય ગણે છે અને રહેઠાણના પુરાવા તરીકે ઇલેકશન કાર્ડ, લાઇટ બીલ સહિતના અન્ય પુરાવાઓની સાથે માન્ય ગણે છે પરંતુ માત્ર આધારકાર્ડના આધારે લાઇસન્સ કાઢી આપવામાંથી હાથ ઉંચા કરી દે છે. આધાર કાર્ડને પ્રાથમિકતા આપવાની બાબતને લઇને આરટીઓમાં ઉદાસીનતા છે.

 

 

(8:09 pm IST)