Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2017

યુવાવર્ગને પ્રાધાન્યતા આપવા માટેની બાબત કોંગીમાં સાર્થક

કોંગ્રેસ દ્વારા ૫૦વર્ષથી નીચેની વયના લગભગ ૪૦ ટકા ઉમેદવારોને ટિકિટ : કામગીરી અને પરિણામ પર નજરઃ યુવાનોને ટિકિટના દાવામાં ભાજપ ઉણુ ઉતર્યુ

અમદાવાદ,તા.૨: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ ભાજપ અને કોંગ્રેસ પક્ષે યુવા ઉમેદવારોને ટિકિટ આપવાનો મસમોટો દાવો કર્યો હતો પરંતુ તે દાવાને નિભાવવામાં કોંગ્રેસ કંઇક અંશે પણ ભાજપ કરતાં કારગત નીવડી છે. કોંગ્રેસે ૫૦ વર્ષથી નીચેની વયના લગભગ ૪૦ ટકા ઉમેદવારોને ટિકિટ આપી છે અને તેના કારણે હવે રાજયના ચૂંટણીજંગમાં પરિવર્તનની લહેર જાણે ફુંકાઇ છે.સામાન્ય રીતે કોંગ્રેસની એવી છાપ છે કે, ટિકિટોની વહેંચણી થાય એટલે, મારા-તમારા સાચવી લો અને જેટલુ ભેગુ થાય તેટલુ કરી લો, જેમને કોંગ્રેસની ટિકિટ નથી મળી તેઓએ બૂમબરાડા પાડી આક્ષેપો કર્યા, બીજું કંઇ નહી પરંતુ આ તમામ વિવાદો અને હુંસાતુંસી વચ્ચે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પહેલેથી જ યુવા ઉમેદવારોને ટિકિટ આપવાનો હઠાગ્રહ રાખ્યો હતો અને યુવાવર્ગને રાષ્ટ્રનું ભવિષ્ય માનતાં કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની કલ્પનાને તેમણે મહત્તમ યુવા મતદારોને ટિકિટ ફાળવી સાકાર કરી બતાવી. રાજકીય વિશ્લેષકોના મતે, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી આ વખતે માત્ર ને માત્ર યુવાન અને કોંગ્રેસને સંપૂર્ણપણે સમર્પિત હોય તેવા ઉમેદવારોને જ ટિકિટ ફાળવણીના આગ્રહને વળગી રહ્યા હતા અને તેના લીધે આ વખતે કોંગ્રેસના ૫૦ વર્ષથી નીચેની વયના લગભગ ૪૦ ટકા ઉમેદવારોને ટિકિટ મળી શકી છે. બીજીબાજુ, ભાજપને મોટાભાગની સીટ પર રાજયસભાની ચૂંટણીમાં સાથ આપ્યો તેનું વચન નિભાવવા ટિકિટ આપવી પડી છે.

 આ આયાતી ઉમેદવારો સ્વચ્છ પ્રતિભા ધરાવતા જ હોય અને ઉમેદવારો નાની વયના હોય તેવું જરૂરી નથી. ભાજપે કેટલીક જગ્યાએ વયોવૃધ્ધ ઉમેદવારોને ટિકિટ આપી છે, ઉંઝામાં તો, ૮૦વર્ષથી વધુ વયના ઉમેદવારને ટિકિટ ફાળવી છે. ઉમેદવારોએ સામા પ્રવાહમાં સંઘર્ષ કરીને જીત મેળવવાના પ્રયાસો કરવાના હોય છે ત્યારે તરવરિયા અને ઉત્સાહી ઉમેદવારો જ કાઠુ કાઢી શકે એ થિયરી પર કોગ્રેસે યુવા ઉમેદવારોને વધુ જ પસંદ કર્યા છે. ઉલ્લેખનીય છે કે, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી પહેલા જ સ્પષ્ટ કરી ચૂકયા છે કે, તેઓ ૧૮૨ વિધાનસભા બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોને જીતાડવા અને તેમના પ્રચાર-પ્રસાર માટે સંપૂર્ણપણે સમર્પિત રહેશે અને આ વખતની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ ૧૨૫થી વધુ બેઠકો સાથે ગુજરાતમાં જનતાની સરકાર બનાવશે ત્યારે હવે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીના નેતૃત્વમાં યુવા ઉમેદવારોની આ ટીમ સહિતના કોંગ્રેસના ઉમેદવારો પક્ષની અપેક્ષા અને પરિણામ સંતોષવા માટે કામે લાગ્યા છે.

 

(8:09 pm IST)