Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2017

જીએસટી ટેક્સ ટેરરીઝમથી લોકો ખુબ મુશ્કેલીમાં મુકાયા

પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહના સીધા આરોપો: કાળા નાણાં -કરચોરી પર નિયંત્રણ જરૂરી હતુ પરંતુ તેના માટેનો ઉપાય નોટબંધી ન હતો : મનમોહનસિંહના પ્રહારો

અમદાવાદ, તા.૨: દેશના પૂર્વ વડાપ્રધાન, કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પ્રખર અર્થશાસ્ત્રી ડો.મનમોનહસિંહ આજે ગુજરાતની મુલાકાતે હતા તે દરમ્યાન સુરતમાં તેમણે વેપારીઓ અને સ્થાનિક બુધ્ધિજીવી વર્ગ સાથેના સંવાદમાં તેમણે મોદી સરકાર પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, જીએસટીના ટેક્સ ટેરરીઝમથી દેશમાં લોકોની બદ્તર હાલત  બની છે. મોદી સરકાર દ્વારા યોગ્ય રીતે જીએસટી લાગુ કરવામાં આવ્યો નથી. ભાજપની દિશાહીનતા અને ખરાબ અમલવારીના કારણે આજે લોકોના આવા બૂરા હાલ થયા છે. કાળા નાણાં અને કરચોરી પર નિયંત્રણ લાદવુ જરૂરી હતુ પરંતુ તેના માટેનો ઉપાય નોટબંધી ન હતો. પૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠના નેતા ડો.મનમોહનસિંહે વધુમાં જણાવ્યું હતું કે, નોટબંધી અને જીએસટી તમારા ઉભા કરેલા પ્રશ્નો ન હતા અને છતાં તમે સહન કર્યું. નોટબંધી અને જીએસટીના સમયમાં કોંગ્રેસ પાર્ટી તમારી સાથે રહી. તમે વડાપ્રધાન પર વિશ્વાસ મૂકયો એ આશા પર કે દેશને ફાયદો થશે. હું તમારા કમીટમેન્ટને સલામી આપુ છું પરંતુ અફ્સોસ કે એવું ના થયું. તેમણે વડાપ્રધાન મોદી પર સીધું નિશાન તાકતાં જણાવ્યું હતું કે, મોદી ગુજરાતને અને ગરીબોને સમજે છે પરંતુ તેમના નિર્ણયોથી થયેલી હેરાનગતિને તેઓ કેમ સમજી શકયા નહી. સુરતનો બિઝનેસ વિશ્વાસ અને સંબંધી પર ચાલે છે. વિશ્વાસ વગર સુરત ભાંગી પડે પરંતુ તમે પીએમ મોદી પર અચ્છે દિન માટે વધારે પડતો જ ભરોસો મૂકયો. માત્ર સુરતમાં જ ૮૯ હજાર પાવરલુમ્સ ભંગારમાં ગઇ અને ૩૧ હજાર કારીગરો બેરોજગાર થયા, આવી સુરતની બીજી ઘણી ઇન્ડસ્ટ્રીઝ છે કે જે બરબાદ થઇ ગઇ. વડાપ્રધાન મોદીએ જમીની હકીકત સમજવી જોઇએ અને તેનો સ્વીકાર કરવો જોઇએ. નોટબંધી વખતે હું આશ્ચર્ય સાથે આઘાત પામ્યો હતો કે, વડાપ્રધાનને આવી સલાહ આપી કોણે ?નોટબંધીની સલાહ અમને પણ મળી હતી પરંતુ દેશની જનતાના હિત અને મુશ્કેલી બધુ ધ્યાનમાં લઇને એક જવાબદાર સરકાર તરીકે તેની અમલવારી કરી ન હતી. નોટબંધી અને જીએસટીનો નિર્ણય દેશના અર્થતંત્ર માટે દુઃખદ ઘટના છે.

 

(8:08 pm IST)