Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

રાજપીપળામાં પરવાનગી વિના ફટાકડાનું વેચાણ કરનાર સામે કડક કાર્યવાહી કરવા પ્રાંતને આવેદન અપાયું

રાજપીપલા શાક માર્કેટ વિસ્તાર, સ્ટેશન રોડ, લીમડા ચોક ગાર્ડન સામે, કસબાવાડ,સડક ફળીયા,એમ.વી.રોડ સહિત અન્ય જગ્યાએ ફટાકડાનું ગેરકાયદેસર વેચાણ થાય છે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા ગાર્ડનમાં વર્ષથી નિયમ મુજબ ફટાકડાનો વેપાર કરતા વેપારીઓએ પ્રાંત અધિકારી,ડીએસપી અને નગરપાલિકાના મુખ્ય અધિકારીને આવેદનપત્ર આપી ગેરકાયદેસર ફાટકડાનું વેચાણ કરનાર સામે કાર્યવાહી કરવા રજુઆત કરી છે.

આવેદનમાં જણાવ્યા મુજબ ગાર્ડનના વેપારીઓ દર વર્ષની જેમ સરકારી ધારા ધોરણો મુજબ ફાયર સેફ્ટી તથા નિતી નિયમોનું ચુસ્તપણે પાલન કરી ધંધો કરતા આવેલા છે. જેમાં ૨૨ વેપારીઓ છે. પરંતુ રાજપીપલા વિસ્તારમાં શાક માર્કેટ રોડ તથા મંદિરની બાજુએ તથા સ્ટેશન રોડ લીમડાચોક ગાર્ડનની સામે કસબાવાડ સડક ફળીયા એમ.વી.રોડ વિગેરે અન્ય વિસ્તારમાં ગેરકાયદેસર રીતે બિન-અધિકૃત જગ્યાએ અડચણ નડતર રૂપ લોકોને અવર જવર કરવા માટેનો રસ્તો ફુટફાટની જગ્યામાં વિસ્ફોટક પદાર્થોનું મોટા પ્રમાણમાં જથ્થા રાખી ફટાકડાનું ધુમ વેચાણ કરી રહ્યા છે,આવા સંજોગોમાં રાજપીપલાના બજારોમાં હાલમાં ખુબ જ મોટા પ્રમાણમાં લોકોની અવર-જવર થઇ રહી છે. આ વિસ્તારના નાના વેપારીઓ કે જેઓ સરકારી ધારા ધોરણ મુજબ ફાયર સેફ્ટી કે નિતી નિયમોનું પાલન કરતા ન હોય જેના કારણે કોઇ મોટો વિસ્ફોટક પદાર્થ સળગી ઉઠે તો તેવા સંજોગોમાં લોકોને મોટી જાનહાની થાય તેવી પુરેપુરી શક્યતા રહેલ છે.જેથી આ તમામ હકીકતોએ ધ્યાને લઇ જુદા-જુદા વિસ્તારોમાં ફટાકડાની દુકાન વાળા સામે તાત્કાલીક તપાસ કરી ગુનો માલુમ પડે તેઓ સામે સખતમાં સખત કાયદેસર કાર્યવાહી કરવા તથા પરવાનગી વગર ધંધો કરનાર તમામ વિસ્તારના શખ્સોનો મુદ્દામાલ કબજે લઇ કાયદેસર કાર્યવાહી કરવા રજુઆત કરવામાં આવી છે.

(10:34 pm IST)