Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

ભાજપના શાસનમાં છેલ્લાં ઘણાં વર્ષોથી દલિતો પર અત્‍યાચારના બનાવો વધ્યા : ધારાસભ્ય નૌશાદ મીર

નેર ગામમાં મંદિરમાં દર્શન કરવા બાબતે દલિત પરિવાર ઉપર અત્‍યાચાર બાબતે કોંગ્રેસના ધારાસભ્યોએ રાજ્યના ડી.જી.પી. આશિષ ભાટિયાને રૂબરૂ રજૂઆત કરી આવેદનપત્ર આપ્યું

અમદાવાદ : કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના નેર ગામમાં મંદિરમાં દર્શન કરવા બાબતે દલિત પરિવાર ઉપર થયેલ અત્‍યાચાર બાબતે તપાસ કરાવી જવાબદારો સામે સખ્‍ત પગલાં લેવા માટે કોંગ્રેસના ધારાસભ્યોએ આજે રાજ્યના ડી.જી.પી. આશિષ ભાટિયાને રૂબરૂ મળીને રજૂઆત કરી હતી અને આ અંગેનું આવેદનપત્ર સુપ્રત કર્યું હતું.

કોંગ્રેસના ધારાસભ્‍યઓ પુંજા વંશ (ઉના), નૌશાદ સોલંકી (દસાડા), વિરજી ઠુમ્‍મર (લાઠી), ડો. અનિલ જોષીયારા (ભિલોડા), કાંતિભાઈ ખરાડી(દાંતા)એ રાજ્‍યના પોલીસ મહાનિદેશકને આવેદનપત્ર આપ્યુ હતું.

મીડીયાના મિત્રોને સંબોધતાં દસાડાના ધારાસભ્‍ય નૌશાદ સોલંકીએ જણાવ્‍યું હતું કે, તાજેતરમાં કચ્‍છ જિલ્લાના ભચાઉ તાલુકાના નેર ગામે ભગવાન શ્રી રામના મંદિરમાં સ્‍થાનિક દલિત પરિવારોને મંદિરમાં દર્શન કરવા બાબતે તેમના ઉપર હિંસક હુમલો કરી સાત જેટલા લોકોને ગંભીર રીતે ઈજા પહોંચાડવામાં આવેલ છે. આ સમગ્ર ઘટના જાતિવાદી વિકૃત માનસિકતાના કારણે બનેલ છે.

નૌશાદ સોલંકીએ વધુમાં જણાવ્‍યું હતું કે, ભાજપના શાસનમાં છેલ્લાં ઘણાં વર્ષોથી સમયાંતરે રાજ્‍યમાં અનુસૂચિત જાતિ સમાજની બહેનો સાથે સામુહિક બળાત્‍કારથી લઈ લગ્નમાં વરઘોડા કાઢવા જેવી બાબત કે પછી મૂછો રાખવા જેવી બાબતોએ દલિતો પર અત્‍યાચારના બનાવો બનતા રહે છે.

આવી ઘટના બાદ સમયસર પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવતી નથી, આરોપીઓની તાત્‍કાલિક ધરપકડ કરવામાં આવતી નથી અને આરોપીઓને આગોતરા જામીન મળે ત્‍યાં સુધી તેમને છૂટ આપવામાં આવે છે. આવી ઘટનાઓની ન્‍યાયિક તપાસ કરવામાં આવતી નથી અને આખરે 97 % આરોપીઓ નિર્દોષ છૂટી જાય છે, જેથી અમુક અસામાજીક જાતિવાદી તત્ત્વો પ્રોત્‍સાહિત થઈ બેખોફ અનુસૂચિત જાતિના લોકો પર અત્‍યાચાર કરે છે.

સમગ્ર ઘટનામાં સંડોવાયેલ તમામ આરોપીઓની તાત્‍કાલિક અટકાયત કરી, તેમની સામે સખ્‍તમાં સખ્‍ત કાર્યવાહી કરી યોગ્‍ય સજા થાય તેવી કાર્યવાહી કરાવવા નૌશાદ સોલંકી સહિત ધારાસભયોએ ઉગ્ર માંગણી કરી હતી.

(10:04 pm IST)