Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

વડોદરા નજીક નેશનલ હાઇવે પર સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં બે બાઇકસવાર મિત્રોના ઘટનાસ્થળેજ મોત

વડોદરા:નજીક નેશનલ હાઇવે પર દેણાં ચોકડી પાસે ગઇરાત્રે થયેલા ગમખ્વાર અકસ્માતમાં રણોલીમાં રહેતા બે બાઇકસવાર મિત્રોના ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત નિપજ્યા હતાં.

આ અંગેની વિગત એવી છે કે રણોલીમાં સિધ્ધાર્થભાઇની ચાલીમાં રહેતો મૂળ બિહારના શિવાન જિલ્લાના મહંમદપુરા ગામનો વતની મુકુંદ દિેનેશ શાહ(ઉ.વ.૨૫) ક્રેઇન ઓપરેટર  હતો તેણે થોડા સમય પહેલાં જ સેકન્ડમાં ક્રેઇન ખરીદી છે. આ ઉપરાંત તેના ઘરની નજીક રહેતો મૂળ બિહારનો જ વતની આબીદ ઠાકુર સલૂન ચલાવતો હતો.

બિહારનો વતની અને આબીદનો મિત્ર પોતાના વતન દુમાડ ચોકડીથી જવાનો હોવાથી તે ત્યાં આવ્યો હતો પરંતુ તેનું સ્વેટર ભૂલી ગયો હોવાથી તેણે આબીદને ફોન કરી સ્વેટર આપી જવા કહેતા આબીદ અને મુકુંદ બંને બાઇક પર દુમાડ ચોકડી પહોંચી સ્વેટર આપીને પરત ઘેર જતા હતાં. આ વખતે હાઇવે પર પૂરપાટઝડપે જતા અજાણ્યા વાહને બાઇકને જોરદાર ટક્કર મારતા બંને રોડ પર પટકાયા હતા અને મુકુંદ પરથી  વાહનનું પૈડું ફરી વળતા તેનું કરૃણ મોત નિપજ્યું હતું જ્યારે આબીદને પણ માથામાં ગંભીર ઇજા થતા તે પણ ઘટનાસ્થળે જ મોતને ભેટયો હતો. અકસ્માતના બનાવ અંગે સમા પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(6:00 pm IST)