Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

દિવાળી તહેવારોમાં ખાનગી બસોના ભાડામાં ચાર ગણો તોતિંગ વધારો

અમદાવાદથી મુંબઇનું બસ ભાડું 2200, નાસિકનું બસ ભાડું 2400, ઉજ્જૈનનું બસ ભાડું 1900 જ્યારે ઉદેપુરનું બસ ભાડું રૂપિયા 2 હજારને પાર

અમદાવાદ : દિવાળીની ઉજવણી કરવા માટે લોકો પોતાના વતન તરફ રવાના થઈ રહ્યા છે. ત્યારે અમદાવાદથી સૌરાષ્ટ્રની ખાનગી બસોના ભાડામાં ચાર ગણો વધારો કરી દેવામાં આવ્યો છે. જો કે, સામાન્ય દિવસોમાં 500 રુપિયા ભાડું ચાલતું હતુ તે વધારીને 1 હજાર કરી દેવામાં આવ્યા છે.

દિવાળીમાં લોકો પોતાના વતન માટે રવાના થતા હોય છે. ત્યારે લોકોનો સૌથી વધારે ઘસારો ખાનગી બસોમાં જોવા મળે છે. અમદાવાદથી મુંબઇનું બસ ભાડું રૃપિયા 2200, નાસિકનું બસ ભાડું રૂપિયા 2400, ઉજ્જૈનનું બસ ભાડું રૂપિયા 1900 જ્યારે ઉદેપુરનું બસ ભાડું રૂપિયા 2 હજારને પાર થઇ ગયું છે. છેલ્લા કેટલાક સમયથી ડીઝલમાં સતત વધારો થઇ રહ્યો છે એટલે પણ બસના ભાડામાં પણ નાછૂટકે વધારો કરવો પડયો છે. હજુ દિવાળી નજીક આવશે તેમ ખાનગી બસના ભાડામાં હજુ વધારો થાય તેમ મનાઇ રહ્યું છે. મુંબઇ, નાસિકનું ભાડું રૃપિયા ૩ હજાર સુધી પહોંચે તેની પણ સંભાવના છે.

રવિવારે 22 થી વધુ એકસ્ટ્રા સંચાલનની એસ.ટી.બસો દાહોદ-ગોધરા-ઝાલોદ અને સૌરાષ્ટ્ર માટે ઉપડી હતી. નિગમ દ્વારા મુસાફરોની ભીડને જોતા 50 એકસ્ટ્રા બસો તૈયાર રખાઇ હતી. ગીતા મંદિર, રાણીપ, બાપુનગર સહિતના વિવિધ એસ.ટી.સ્ટેન્ડો પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી હતી. ગુરૂવારે દિવાળી હોવાથી રવિવારની રજાનો લાભ લઇને મોટાભાગના પરિવારો વતન તરફ જવા ઉપડી ગયા હતા. શહેરના એન્ટ્રી ગેટ પર પણ મોટી સંખ્યામાં લોકો બસોની રાહ જોતા જોવા મળ્યા હતા. લકઝરી સહિતના ખાનગી વાહનો પણ મોટી સંખ્યામાં ભરાયા હતા. શનિવારે પણ અમદાવાદથી રૂટીન બસો ઉપરાંત વધારાની 20 બસો દોડાવવામાં આવી હતી.

30 ઓક્ટોબરના રોજ એક જ દિવસમાં રાજ્યભરમાં 56 હજાર 622 ટિકિટ બુક થઇ હતી. કુલ 1.15 કરોડ રૂપિયાની આવક નિગમને એક જ દિવસમાં થવા પામી હતી. તેમાંથી 17 હજાર 933 કાઉન્ટર બુકિંગ ઓફિસેથી બુક કરાવાઇ હતી. મોબાઇલ થકી 14 હજાર 286 ટિકિટ અને ઓનલાઇન 7 હજાર ટિકિટ બુક થવા પામી હતી. તેની સામે ગયા વર્ષે આ દિવસે ફક્ત 30 હજાર 953 ટિકિટ બુક થઇ હતી અને 66.42 લાખની આવક નોંધાઇ હતી. આ વર્ષે તેમાં બમણો વધારો જોવા મળી રહ્યો છે

(10:16 pm IST)