Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

નર્મદાના વડીયામાં જાહેરમાં કચરો ફેંકનારની ખેર નથી : ગ્રામ પંચાયતે દંડ વસૂલવા કર્યો નિર્ણય

ડોર ટુ ડોર કચરો ઉઘરાવતી જિલ્લાની એકમાત્ર ગ્રામ પંચાયતને આ બાબતે એવોર્ડ પણ મળ્યો છે

નર્મદા : વડાપ્રધાન મોદીએ સત્તા સંભાળી ત્યારે સ્વચ્છ ભારતનું બીડુ ઝડપી દેશ વાસીઓને સ્વચ્છ ભારત અભિયાનમાં જોડાવવા આહવાન કર્યું. દેશ વાસીઓએ પણ મોદીના સ્વચ્છ ભારત મિશનને અનુલક્ષી પોત પોતાના વિસ્તારો સ્વચ્છ રાખવાના શપથ લીધા.નર્મદા જિલ્લાને તો અગાઉ ખુલ્લામાં શૌચ મુક્ત જિલ્લો જાહેર કરી એવોર્ડ પણ એનાયત કરાયો હતો.ત્યારે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાની વડીયા ગ્રામ પંચાયતે “જો કોઈ પણ વ્યક્તિ કચરો જાહેરમાં કચરો ફેંકતા પકડાશે તો એની પાસે 200 રૂપિયા દંડની” જોગવાઈ કરતો નિર્ણય લીધો છે.

નર્મદા જિલ્લામાં એક માત્ર વડીયા ગ્રામ પંચાયત એવી છે કે જે ડોર ટુ ડોર કચરો ઉઘરાવે છે, અને આ જ બાબતે વડીયા ગ્રામ પંચાયતને અગાઉ એવોર્ડ પણ મળી ચુક્યો છે.સ્વચ્છતા અભિયાન પ્રત્યે લોકો ગંભીર બને અને અન્ય લોકોને પણ જાગૃત કરે એ દ્રષ્ટિએ વડીયા ગ્રામ પંચાયત વિસ્તારમાં જાહેરમાં કચરો ફેંકનાર વ્યક્તિ પાસે ગ્રામ પંચાયત 200 રૂપિયા સ્થળ પર દંડ વસુલવામાં આવશે.

 

આ સાથે સાથે જે કોઈ પણ વ્યક્તિ જાહેરમાં કચરો ફેંકનારનો ફોટો પાડી ગ્રામ પંચાયતે જાહેર કરેલા વોટ્સ એપ નંબર 9712122688, 9427842596 પર ફોટો મોકલશે એ વ્યક્તિને ગ્રામ પંચાયતે 50 રૂપિયા ઈનામ પણ આપવાની જાહેરાત કરી છે.આમ કરવાથી ગામ સ્વચ્છ તો રહેશે પણ સાથે સાથે લોકો પોતાની જવાબદારી પ્રત્યે પણ સભાન થશે એમ ગ્રામ પંચાયતના સભ્યોનું માનવું છે.

આ મામલે વડીયા ગ્રામ પંચાયતના સરપંચ મહેશ રજવાડી તથા તલાટી દેવેન્દ્ર જોશીએ જણાવ્યું હતુ કે વડીયા ગ્રામ પંચાયત દ્વારા ડોર ટુ ડોર ટેમ્પો ફેરવી કચરો ઉઘરવાય છે.તે છતાં ગામમા લોકો જાહેરમાં કચરો ફેંકે છે ગંદકી ફેલાવાથી પ્રદુષણ પણ વધે જ છે, એ જ કારણે રોગચાળો ફેલાવાનો પણ ભય રહેલો છે.

ડોર ટુ ડોર કચરો ઉઘરાવવાનો ખર્ચ થતો જ હતો પણ એ ઉપરાંત જાહેર માંથી કચરો ઉઠાવવા માટે પંચાયતને વધારાનો ખર્ચ ભોગવવો પડતો હતો.જેથી અમે નર્મદા કલેકટર અને DDO ને આ મામલે રજુઆત કરી, એમની સીધી સૂચનાથી અમે બેઠક બોલાવી અને દંડ લેવાનો નિર્ણય કર્યો છે.આ નિર્ણયથી એક ફાયદો એ થશે કે ગામ તો સ્વચ્છ રહેશે જ પણ સાથે સાથે લોકોમાં સ્વચ્છતા બાબતે જાગૃતિ આવશે.અમે આ નિર્ણયનો તાત્કાલિક ધોરણે અમલ કરીશું.

(11:54 pm IST)