Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

ગુજરાત સર્વોદય યોજના હેઠળ નર્મદા જિલ્લાનો સમાવેશ કરવા આમ આદમી પાર્ટીનું આવેદન

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : આમ આદમી પાર્ટી,નર્મદા દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી, ઉર્જામંત્રીને સંબોધતુ આવેદનપત્ર સાગબારા મામલતદારને આપવામાં આવ્યું હતું.
 અવેદનમાં માંગ કરવામાં આવી છે કે નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત સર્વોદય યોજના હેઠળ પ્રથમ તબક્કામાં નર્મદા જિલ્લાનો સમાવેશ કરવામાં આવે અને ખેતીવાડી માટે દિવસ દરમ્યાન સવારે 5 થી રાત્રે 9 વાગ્યા સુધી વીજળી આપવામાં આવે.કેમ કે નર્મદા જિલ્લામાં પણ રિછનું અભ્યારણ્ય આવેલું છે અને સાતપુડા જંગલમાંથી જંગલી જાનવરો નર્મદા જિલ્લામાં રાત્રી દરમ્યાન રખડતા રહે છે જેથી ખેડૂતોને જાનહાની થવાની બીક પ્રવર્તે છે.સાથે નર્મદા જિલ્લાની એક બાજુ નર્મદા નદી ઉપર સરદાર સરોવર ડેમ તેમજ બીજી બાજુ તાપી નદી ઉપર ઉકાઈ ડેમ બનેલ છે.બંને ડેમમાં વીજળી ભરપૂર માત્રામાં ઉત્પન્ન થાય છે.આ બંને ડેમ બનાવતી વખતે નર્મદા જિલ્લા ના લોકોની જમીનો પણ ડૂબાણમાં ગયેલ છે.છતાં જ્યારે પણ સિંચાઈ નું પાણી આપવાની વાત આવે કે પછી વીજળી આપવાની વાત ત્યારે સૌરાષ્ટ્ર બાજુ જ આપવામાં આવે છે અને નર્મદા જિલ્લા સાથે ઓરમાયું વર્તન થાય છે.
ડૉ.કિરણ વસાવા-પ્રમુખ આમ આદમી પાર્ટી નર્મદા જિલ્લાએ જણાવ્યુ કે નર્મદા જિલ્લામાં રાજકીય નેતૃત્વ ખૂબજ નબળું હોવાને લીધે કાયમજ નર્મદા જીલ્લા સાથે અન્યાય થાય છે. માટે હવે આવા નબળા નેતૃત્વ તેમજ અન્યાયી ગુજરાત સરકાર વિરુદ્ધ આમ આદમી પાર્ટી હવે જનતાનો અવાજ બનશે.
 જો દિન 15 માં આ બાબત નું નિરાકરણ નહીં આવે તો આમ આદમી પાર્ટી દ્વારા ખેડુતને ન્યાય અપાવવા આંદોલન પણ કરવામાં આવશે

(8:43 pm IST)