Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

મહેસાણાના હબટાઉનમાં પાર્લરમાં પોલીસે બાતમીના આધારે દરોડા પાડી સટ્ટો રમતા ત્રણ શખ્સોને રંગે હાથે ઝડપી પાડ્યા

મહેસાણા:શહેરના હબટાઉનમાં આવેલા એક પાર્લરમાં પોલીસે રેડ પાડીને અહીંથી ક્રીકેટ સટ્ટા બેટીંગની પ્રવૃત્તિ આચરી રહેલા ત્રણ શખસોને ઝડપી લીધા હતા. આ સ્થળેથી ઈલેક્ટ્રોનીક્સ ઉપકરણો સહિત કુલ રૃ.૩૦૬૩૦ની મત્તા કબજે કરીને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મહેસાણા બીડીવીઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ઈજાજઅહેમદને બાતમી મળી હતી કે શહેરના હબટાઉનમાં આવેલા નવનાથ પાન પાર્લર ચલાવતો અમરત ભરતભાઈ સથવારા નામનો શખસ પોતાની દુકાનમાં દુબઈમાં ચાલી રહેલ આઈપીએલ ટુર્નામેન્ટની ક્રીકેટ મેચો ઉપર ક્રિકેટનો સટ્ટો રમાડવાની પ્રવૃત્તિ કરી રહ્યો છે. જેના આધારે પોલીસે આ સ્થળે ઓચિંતી રેડ પાડી હતી. અહીંથી અમરત ઉપરાંત નિકુંજ વિનોદભાઈ શાહ અને મોદી કરણ ભુપેન્દ્રભાઈ ઝડપાઈ ગયા હતા. તેઓ ટીવી પર ક્રીકેટ મેચનું જીવંત પ્રસારણ જોઈને સટ્ટાનો જુગાર રમી હારજીત કરતા હોવાનું જણાવ્યું હતું. જ્યારે તેમણે ભાવીન વિપુલચંદ્ર મોદી નામના શખસ પાસેથી સટ્ટાબેટીંગ રમવાનો સોફ્ટવેર લીધું હોવાની કબૂલાત કરી હતી. જેથી પોલીસે ઝડપાયેલા ત્રણ સહિત ચાર આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરીને રૃ.૩૦ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

(5:01 pm IST)