Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

ગાંધીનગર જિલ્લામાં દારૂની હેરાફેરી અટકાવવા પોલીસ તંત્ર સજાગ:કોટેશ્વર ગામમાં નદી કિનારેથી દરોડા પાડી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

ગાંધીનગર:જિલ્લામાં દેશી વિદેશી દારૂની હેરાફેરી અને વેચાણ અટકાવવા પોલીસ દોડી રહી છે ત્યારે અડાલજ પોલીસે બાતમીના આધારે કોટેશ્વર ગામમાં નદીના કિનારે બાવળની ઝાડીમાં દરોડો પાડીને દેશી દારૂની મોટીભઠ્ઠી ઝડપી લીધી હતી અને અહીં પોલીસને દારૂ ગાળવાનો ચાર હજાર લીટર જેટલો વોશ મળી આવ્યો હતો. જેના સેમ્પલ લઈને સ્થળ ઉપર જ તેનો નાશ કરવામાં આવ્યો હતો. તો બીજી બાજુ ભઠ્ઠી ચલાવનાર એક મહિલા સહિત બે સામે ગુનો નોંધીને શોધખોળ શરૂ કરવામાં આવી છે. 

રાજયમાં દારૂબંધી હોવા છતાં પરપ્રાંતમાંથી મોટા પ્રમાણમાં વિદેશી  દારૂનો જથ્થો ઠાલવવામાં આવતો હોય છે ત્યારે પોલીસ બાતમીદારોને સક્રિય કરી દારૂના આવા જથ્થાને પકડી પણ રહી છે. વિદેશી દારૂનો જથ્થો તો પરપ્રાંતમાંથી લવાતો હોય છે પરંતુ શહેરોની સાથે ગ્રામ્ય વિસ્તારોમાં મોટા પ્રમાણમાં દેશી દારૂની હાટડીઓ ચાલતી હોય છે. જેના પગલે અવારનવાર દારૂની આ ભઠ્ઠીઓ ઉપર કાર્યવાહી કરવા માટે પોલીસ ખાસ પ્રોહીબીશન ડ્રાઈવ ચલાવી રહી છે. ગાંધીનગર જિલ્લામાં પણ પ્રોહીબીશન ડ્રાઈવ અંતર્ગત તમામ પોલીસ સ્ટેશનો દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં દરોડા પાડીને દરરોજ ચારથી પાંચ જેટલા પોલીસ કેસ કરવામાં આવી રહયા છે ત્યારે અડાલજ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે કોટેશ્વર ગામમાં નદી કીનારે આવેલી બાવળની ઝાડીમાં દેશી દારૂની ભઠ્ઠી ધમધમી રહી છે જે બાતમીના પગલે પોલીસ ટીમે દરોડો પાડતાં જમીનમાં દાટેલા ર૦ પીપ મળી આવ્યા હતા. જેમાં તપાસ કરતાં આ પીપમાં દારૂ ગાળવા માટેનો વોશ રાખવામાં આવ્યો હતો. આ વોશના સેમ્પલ લઈને ચાર હજાર લીટર જેટલો વોશનો સ્થળ ઉપર જ નાશ કરવામાં આવ્યો હતો. દેશી દારૂની ભઠ્ઠી ચલાવતાં બળદેવ ચીનુભાઈ દંતાણી અને જલાબેન અશોકભાઈ દંતાણી રહે. નદીવાસ કોટેશ્વર સામે પોલીસે પ્રોહીબીશન એકટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

(4:59 pm IST)