Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

સુરતના પાંડેસરામાં બાંકડા પર ઊંઘવા જેવી નજીવી બાબતે શ્રમજીવી પર આગ ચાંપી મારવાનો પ્રયાસ કરનાર વિરુદ્ધ ગુનો દાખલ

સુરત: શહેરના પાંડેસરા ભીડભંજન ઇન્ડસ્ટ્રીઝના સંચા ખાતામાં નોકરી કરતો પ્રમોદ મુશા વિશ્વાસ (ઉ.વ. 38 મૂળ રહે. પામલસિંગ, થાના. પોલસરા, જિ. ગંજામ, ઓડિશા) હાલમાં ભીડભંજન આવાસની બાજુમાં આશાપુરી સોસાયટીના વિભાગ- 3માં રહે છે. બે દિવસ અગાઉ રાત્રે ગરમી લાગતી હોવાથી રાબેતા મુજબ ઘર નજીક બજરંગ રેસ્ટોરન્ટની આજુબાજુની દુકાનની સામે બાકડા પર સુવા માટે ગયો હતો. જયાં દિપક ગુપ્તા અને કિશનસીંગ પણ સુવા આવતા હતા. 

આ બંનેએ પ્રમોદને તું હંમેશા બાકડા પર સુઇ જાય છે, અમને આરામ કરવા દેતો નથી, એકાદ દિવસ તને આ બાકડા પર જ સળગાવી દઇશું. એમ કહી ઝઘડો કર્યો હતો. ત્યાર બાદ પ્રમોદ નિંદ્રાધીન થઇ જતા વેંત અચાનક જ શરીરે એકદમ ગરમી લાગતા જાગી ગયો હતો અને તે આગની જવાળામાં લપેટાયેલો હતો. જેથી બુમાબુમ કરતા આજુબાજુના કારખાનાના કારીગરો દોડી આવ્યા હતા અને પાણી છાંટી આગ બુઝાવી હતી. આ અરસામાં દિપક અને કિશન ભાગી ગયા હતા.

(4:57 pm IST)