Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

વડોદરામાં પ્રતિબંધિત ‘કોરલ' પથ્‍થરના વેંચાણનો પર્દાફાશઃ 230 કિલો જથ્‍થા સાથે આશુતોષ ગાયકવાડની ધરપકડ

વડોદરા: વનવિભાગે સોશિયલ મીડિયાથી મળેલી બાતમીના આધારે શિડ્યુલ 1માં આવતા પ્રતિબંધિત કોરલના વેપલાનો પર્દાફાશ કર્યો છે. વડોદરના વાઘોડિયા રોડની ગજાનંદ સોસાયટીમાં રહેતા આશુતોષ ગાયકવાડ વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ હેઠળ આવતા શિડ્યુલ 1ના પાર્ટ-4ના પ્રતિબંધિત કોરલ પથ્થરનો વ્યવસાય કરતા હોવાની માહિતી મળી હતી. બાતમી કન્ફર્મ થતાં વનવિભાગે પહેલા રિક્ષામાં પથ્થર ખરીદ્યા હતાં. બાદમાં આશુતોષના ઘરે રેડ પાડીને કુલ 230 કિલો પરવાળા કોરલના અવશેષ જપ્ત કર્યા છે.

આ ઘટના બાદ શહેરના બે અલગ અલગ વિસ્તારમાં એક એક્વેરિયમનો વ્યવસાય કરતી બે દુકાનો પર પણ રેડ પાડી હતી. પરંતુ કોઈ ગેરકાયદે વસ્તુ ન મળી હોવાની માહિતી સામે આવી છે. પોલીસે આશુતોષ સામે ગુનો નોંધી કોર્ટ પાસેથી ત્રણ દિવસના રિમાન્ડ પણ મેળવ્યા હતાં. પ્રતિબંધિત કોરલ પથ્થર દરિયામાં જીવતા હોય છે. જે ઘરમાં મુકવામાં આવતા એક્વેરિયમમાં શોભા વધારવા માટે ઉપયોગ થાય છે. આસુતોષ છેલ્લા પાંચ વર્ષથી મરીન ફિશ વર્ક ઈમ્પોર્ટ એન્ડ એક્સપોર્ટનો વ્યવસાય કરે છે. કોરલ પથ્થર અતિ કિંમતી મનાય છે તેથી તેની તસ્કરી ગેરકાયદે થવા લાગી છે.

શું છે દરિયાઈ કોરલ?

* જૈવ વૈવિધ્ય જમીનની સરખામણીએ 10 ગણું વધુ વૈવિધ્ય

* લાખો-કરોડો વર્ષ જૂનાં છે કોરલ

* કોરલ દરિયામાં સુંદર વન અને શહેરોનું કરે છે નિર્માણ

* કોરલ એટલે સેંકડો-હજારો જીવોની વસ્તી

* કોરલમાં અનેક જીવ એકબીજા પર નિર્ભર થઈ જીવે છે

* ચૂનાના કવચથી ઢંકાયેલાં હોય છે કોરલ

* જીવોને આહાર અને સુરક્ષા પ્રદાન કરે છે

* જીવો પાસેથી પોષકતત્વો મેળવે છે કોરલ

(4:26 pm IST)