Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

વડોદરામાં ચોરીના આરોપી શેખ બાબુના કસ્‍ટડીમાં મોત બાદ હજુય મૃતદેહ મળતો નથીઃ 7 ગામોની નર્મદા કેનાલમાં શોધખોળ

વડોદરા: શહેરના ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ગત 10 ડિસેમ્બર 2019ના ચોરીના આરોપી શેખ બાબૂનું કસ્ટડીમાં મોત થયા બાદ મૃતદેહ ના મળવાથી ગાંધીનગરની CID ક્રાઈમની ટીમે વડોદરાની આસપાસના 7 ગામો અને મહિસાગર જિલ્લામાં શોધખોળ શરૂ કરી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, અગાઉ શેખ બાબૂના મૃતદેહને શોધવા માટે CID ક્રાઈમ બ્રાન્ચની ટીમે વડોદરા ફાયર બ્રિગેડ વિભાગ અને SDRFની ટીમો સાથે મશીનરીનો ઉપયોગ કરીને ફતેગંજ પોલીસ સ્ટેશન પાછળ નર્મદા કેનાલમાં શોધખોળ કરી હતી.

તે સમયે ગોરવા વિસ્તારમાં મધુનગરની નજીક નહેરના દરવાજા પાસે હાડકાના અવશેષો મળ્યા હતા. જેને ફોરેન્સિક તપાસમાં તે હાડકાં કોઈ પશુના હોવાનો ખુલાસો થયો હતો.

શેખ બાબૂના પુત્ર સલીમનો આરોપ છે કે, બે મહિનાથી CIDની ક્રાઈમ ટીમ આ મામલે તપાસ કરી રહી છે, પરંતુ તેમને આરોપીનું કોઈ પગેરુ નથી મળતુ કે ના તો મૃતદેહ મળતો. આથી હવે આ કેસની તપાસ SIT કે CBI પાસે કરાવવાની માંગ માટે તેઓ કોર્ટમાં જશે.

શું છે સમગ્ર મામલો?

ઉલ્લેખનીય છે કે, 10 ડિસેમ્બર 2019ના રોજ બપોરના સમયે ચોરીનો ગુનો કબૂલ કરાવવા માટે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા LRD પંકજ સહિત 3 પોલીસ કર્મચારીઓ શેખ બાબૂને ઉપાડીને લઈ ગયા હતા.

જ્યાં તત્કાલીન ઈન્સ્પેક્ટર, સબ-ઈન્સ્પેક્ટર સહિત 4 LRD જવાનોએ શેખ બાબૂને કોમ્પ્યુટર રૂમમાં ખુરશી સાથે બાંધીને ફટકાર્યો હતો. જેના કારણે શેખ બાબૂનું મોત થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસ કર્મચારીઓ પર આરોપ છે કે, તેમણે શેખ બાબૂના મૃતદેહને પણ સગેવેગ કરી દીધો છે.

આ મામલે તત્કાલીન ઈન્સ્પેક્ટર ધર્મેન્દ્રસિંહ ગોહિલ, સબ-ઈન્સ્પેક્ટર દશરથ રબારી, 4 કૉન્સ્ટેબલ પંકજ, યોગેન્દ્ર સિંગ, રાજેશ અને હિતેશ વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ થયા બાદ તમામ આરોપીઓ ફરાર થઈ ગયા હતા.

શેખ બાબૂની હત્યાની તપાસ ગાંધીનગરની CID ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવ્યા બાદ 6 આરોપીઓ ગાંધીનગરમાં હાજર થઈ ગયા હતા. તમામની ધરપકડ કરીને 10 દિવસ એટલે કે 11 સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા.

આ દરમિયાન શેખ બાબૂની ભાળ ના મળવા અને રિમાન્ડ પૂરા થવા પર આરોપીઓને કોર્ટમાં હાજર કરીને 4 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. જે નામંજૂર કરાતાં તમામ 6 આરોપીઓને જેલમાં ધકેલી દેવામાં આવ્યાં છે.

(4:25 pm IST)