Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

અમદાવાદના નરોડા વિસ્‍તારમાં સરકારી અનાજ ગોડાઉનમાંથી બારોબાર વેંચી દેવાનો પર્દાફાશઃ 3 શખ્‍સો વિરૂદ્ધ ફરિયાદ

અમદાવાદ: શહેરના નરોડા વિસ્તારમાંથી સરકારી અનાજ વેચવા મામલે વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. સરકારી અનાજ ગોડાઉનમાંથી અનાજ વેચવાનું વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. જે મામલે ઝોન 5 DCP સ્ક્વોર્ડ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. નરોડા GIDCમાં સ્વામિનારાયણ ટ્રેડિંગને અમરાઇવાડીના સંદીપ જૈને ગોડાઉનમાંથી 2500 કિલો અનાજ બારોબાર વેચ્યું હતું. આ મામલે સંદીપ જૈન અને ટેમ્પાચાલક સહિત 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ અગાઉ FCI (ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા) ના કાળીગામ ખાતેના ગોડાઉનમાંથી 440 નંગ ચોખાના બોરા ટ્રકમાં ભરી ડ્રાઈવરએ સાણંદ સરકારી ગોડાઉનમાં જથ્થો ઉતારવાની જગ્યાએ નરોડા જીઆઇડીસી ખાતે પદ્માવતી રાઈસ મિલમાં જથ્થો ઉતાર્યો હતો. જેનાં પગલે પુરવઠા અધિકારીએ પદ્માવતી મિલના માલિક સહિત ત્રણ આરોપીઓ વિરુદ્ધ સાણંદ પોલીસ સ્ટેશનમાં સાત દિવસ અગાઉ ફરિયાદ નોંધાવાઇ હતી. આ રીતે 1220 નંગ ચોખાના બોરા પદ્માવતી રાઇસમીલમાં ઉતર્યાનું અધિકારીઓનાં ધ્યાને આવ્યું હતું.

જેમાં સાણંદ પોલીસ સ્ટેશનમાં શાહીબાગ સરકારી ગોડાઉનના પુરવઠા અધિકારી કેતુલ મહેશભાઈ પટેલએ આરોપી પદ્માવતી રાઈસ મિલના માલિક , ટ્રક ડ્રાઈવર ગુલામરસુલ બચુ સંધી અને ટ્રક માલિક યુસુફ રસુલ કાજી વિરુદ્ધ ફરિયાદ કરાઇ હતી. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં આ અગાઉ સરકારી અનાજ વેચવાના અનેક કૌભાંડો સામે આવી ચૂક્યાં છે.

(4:24 pm IST)