Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

અમદાવાદ સાબરમતી રિવરફ્રન્‍ટમાં સી પ્‍લેન સર્વિસ બાદ હવે કેન્‍દ્ર સરકાર દ્વારા વધુ 14 જગ્‍યાએ વોટર એરોડ્રામ વિકસાવવાનું આયોજન

નવી દિલ્હીઃ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટની વચ્ચે સી પ્લેન સર્વિસનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સફળ લોન્ચિંગ કરવામાં આવ્યા પછી સરકાર હવે આવા 14 વધુ વોટર એરોડ્રામ સ્થાપવાનું આયોજન કરી રહી છે. આ એરોડ્રામ સમગ્ર દેશમાં વિવિધ રુટ પર સી પ્લેન સર્વિસિસને સગવડ પૂરી પાડશે, તેમા આંદામાન અને નિકોબાર, લક્ષદ્વીપ, આસામ, ઉત્તરાખંડ અને મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે.

શિપિંગ મંત્રાલયના અધિકારીએ જણાવ્યું હતું કે આરસીએસ ઉડાન યોજના હેઠળ 14 એરોડ્રામના વિકાસનું આયોજન કરવામાં આવ્યું છે. ધ વોટરવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (IWAI)ને નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ હાઇડ્રોગ્રાફિક સરવે કરવા અને પ્રવાસીઓની હેરફેર સુગમ બનાવવા જેટ્ટીઓની સ્થાપના કરવામાં મદદ કરવા વિનંતી કરી છે.

શિપિંગ મિનિસ્ટ્રીના જણાવ્યા મુજબ સી પ્લેન માટેના સંભવિત સ્થળોમાં ઉત્તરાખંડમાં તેહરી બંધ, મહારાષ્ટ્રમાં ખિંડસી અને એરાઈ બંધ, આસામમાં ગુવાહાટી રિવરફ્રન્ટ અને ઉમરાંગ્સો જળાશય, આંધ્રપ્રદેશમાં પ્રકાસમ બેરેજ, આંદામાન-નિકોબારમાં હેવલોક, નીલ, લોંગ અને હુટબે ટાપુઓ, લક્ષદ્વીપમાં મિનિકોય અને કારાવતી અને ગુજરાતમાં ધરોઈ અને શત્રુંજયનો સમાવેશ થાય છે. ગુજરાતના મેઇડન સી પ્લેન પ્રોજેક્ટ માટે IWAIએ વિક્રમજનક સમયમાં તરતી જેટ્ટી બાંધી હતી. IWAI જેટ્ટીઓ તરતી મૂકવી, હાઇડ્રોગ્રાફિક સરવે અને નેવિગેશનલ બાબતોમાં નિપુણતા ધરાવે છે.

ડીજીએલએલ જીડીપીએસ ટેકનોલોજીનો ઉપયોગ કરતુ હતુ. આ સિસ્ટમ ઓર્ડર ટુ માર્ક રનવે માટે જીપીએસ સિગ્નલ્સમાં કરેક્શન્સ પૂરા પાડવા અને સી પ્લેન દિવસના ઉજવાળામાં ઉતરાણ કરી શકે તે માટે છીછરા પાણીમાં ઉતરવા માટે અત્યંત મહત્ત્વની છે. ભવિષ્યમાં રાત્રિ કામગીરી માટેની સિસ્ટમ પણ ઓટોમેટેડ નેવિગેશન લાઇટ્સ દ્વારા પ્રસ્થાપિત કરી શકાય છે. સ્પાઇસજેટે માલદીવ પાસેથી સી પ્લેન ચાર્ટર કરીને સી પ્લેન સર્વિસ શરૂ કરી છે અને બીજા સ્થળોએ આવી સર્વિસ શરૂ કરવા માટે તે વધુને વધુ પ્રમાણમાં સી પ્લેન હાયર કરશે. અધિકારીના જણાવ્યા મુજબ આ સી પ્લેન ટ્વિન ઓટ્ટર હશે.

શિપિંગ મંત્રાલયના જણાવ્યા મુજબ છેલ્લા 40 કરતાં વધારે વર્ષથી ટ્વિન ઓટ્ટર સમગ્ર વિશ્વમાં સૌથી વધુ વેચાતુ 14 પેસેન્જર લઈ જવાની ક્ષમતા ધરાવતું સી-પ્લેન છે. કેનેડિયન ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રાન્સપોર્ટેશને નોર્મલ કેટેગરીમાં તેને સર્ટિફાઇ કર્યુ છે. ટ્વિન ઓટર અન-પ્રેશરાઇઝ્ડ, ઓલ મેટલ, હાઈ વિંગ, ટવિન-ટર્બોપ્રોપ એરક્રાફ્ટ છે. આ વર્ષે જુલાઈમાં ગુજરાત સરકારે નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને એએઆઇ સાથે સીપ્લેન સર્વિસ માટે આરસીએસ હેઠળ ચાર વોટર એરોડ્રામ પ્રોજેક્ટ વિકસાવવા ત્રિપક્ષીય કરાર કર્યા છે.

(4:23 pm IST)