Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

ફિટ ઈન્ડિયા યુથ કલબની પ્રવૃતિઓને વેગ મળશે, છાત્રો ફીઝીકલી- મેન્ટલી ટફ બનેઃ ડો.અર્જુનસિંહ રાણા

સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સીટી અને કે.એસ.કે.વી.કચ્છ યુનિ.દ્વારા એમ.ઓ.યુ

રાજકોટઃ સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સીટી અને કે.એસ.કે.વી. કચ્છ યુનિવર્સીટી વચ્ચે એમ.ઓ.યુ. સાઈનીંગ સેરેમની યોજાઈ હતી. કે.એસ.કે.વી.કચ્છ યુનિવર્સીટીના માનનીય કુલપતિશ્રી પ્રો.જયરાજસિંહ જાડેજા તથા સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સીટી, ગાંધીનગરના કુલપતિશ્રી ડો.અર્જુનસિંહ રાણાની હાજરીમાં યોજાયેલ.

સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સીટીના કુલપતિશ્રી ડો.અર્જુનસિંહ રાણા સ્પોર્ટસ ક્ષેત્રમાં રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે ખૂબ જ લાંબો અનુભવ ધરાવે છે. તેઓ ભારતની નેશનલ ક્રિકેટ ટીમ, ભારતએ તથા ભારતની અન્ડર-૧૯ ક્રિકેટ ટીમના સ્પોર્ટ્સ ફીઝીયોથેરાપીસ્ટ તરીકે જવાબદારી સાંભળી ચૂકયા છે. તેઓ ૨૬ વર્ષ કરતા વધુ સમયથી સૌરાષ્ટ્ર રણજી ક્રિકેટ ટીમ તથા બીસીસીઆઈ સાથે સંકળાયેલ છે અને ભારતની સ્પોર્ટસને ટીમો સાથે દેશ- વિદેશની ટૂર કરી છે. અર્જુનસિંહ રાણા સ્પોર્ટસ ફાઉન્ડેશન વર્ક દ્વારા પેરા ઓલમ્પીક ખેલાડીઓને દતક લેવામાં આવે છે. હાલ ૬ ખેલાડીઓ આ ફાઉન્ડેશન દ્વારા દતક લેવામાં આવ્યા છે.

આ તકે ડો.અર્જુનસિંહ રાણાએ જણાવ્યું હતું કે ગુજરાત સરકારશ્રીએ મારા પર વિશ્વાસ મુકી મને સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીનું સુકાન સોંપ્યું છે સાથે સાથે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ફીટ ઈન્ડિયા મુવમેન્ટના ગુજરાત રાજયના બ્રાન્ડ એમ્બેસેડર / નોડલ ઓફિસર તરીકે ગુજરાતના નિર્ણાયક મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ જવાબદારી સોંપી છે. ત્યારે સમગ્ર ગુજરાતની જનતા ફીટ રહે એ માટે મારે કાર્ય કરવાનું છે અને હું નરેન્દ્રભાઈ અને વિજયભાઈના મિશનને દ્રઢ સંકલ્પ લઈને પૂર્ણ કરવા માટે કટિબદ્ધ છું. તેઓએ ફીટ ઈન્ડિયા મુવમેન્ટ તથા ફીટ ઈન્ડિયા યુથ કલબ અંતર્ગત પ્રતિમાસના કેલેન્ડર અનુસાર કાર્યની વિસ્તૃત માહિતી આપેલ હતી. ફિટ ઈન્ડિયા યુથ કલબની સ્થાપના યુનિવર્સિટી તથા કોલેજના લેવલ પર કરવામાં આવશે અને યુનિવર્સિટી તથા કોલેજના શારીરિક શિક્ષણના પ્રાધ્યાપક તેના કોઓર્ડીનેટર તરીકેની ભૂમિકામાં રહેશે અને તમામ વિદ્યાર્થીઓ ફિટ ઈન્ડિયા યુથ કલબના સભ્ય રહેશે.

કુલપતિશ્રી ડો.અર્જુનસિંહ રાણાએ ''રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ''ની સ્પોર્ટસ યોજના ''મોબાઈલ ટૂ સ્પોર્ટસ'' તથા ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ હેઠળ ચાલતા ''ફિટ ઈન્ડિયા કિવઝ'' વિષે વિગતવાર માહિતી આપીને વધુમાં વધુ વિદ્યાર્થીઓ તેમાં ભાગ લઈને ફિટ ઈન્ડિયા યુથ કલબની પ્રવૃતિઓને વેગ આપશે. એવો વિશ્વાસ દેખાડયો. કુલપતિશ્રી ડો.અર્જુનસિંહ રાણાએ અને કે.એસ.કે.વી. કચ્છ યુનિવર્સીટીના તમામ સ્ટાફ અને ઓનલાઈન માધ્યમથી જોડાયેલા ૩૦૦૦૦થી વધુ વિદ્યાર્થીઓને ફિટ ઈન્ડિયાની ઓથ લેવડાવી હતી અને વિદ્યાથીઓને ફીઝીકલ ફીટ અને મેન્ટલ ટફ બનવા અપીલ કરી હતી.

કચ્છ યુનિવર્સીટીના કુલપતિશ્રી પ્રો.જયરાજસિંહ જાડેજાએ જણાવેલ કે ફીટ ઈન્ડિયા મુવમેન્ટ કચ્છમાં બહુ સારી રીતે પ્રસ્થાપિત થાય એ માટે કચ્છ યુનિવર્સીટી પૂરતા પ્રયત્નો કરશે તથા કચ્છના યુવાધનને સ્પોર્ટસના ક્ષેત્રમાં આગળ આવવાની હાકલ કરી હતી.

કાર્યક્રમનું સંચાલન કચ્છ યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર જયરાજસિંહ જાડેજાના નેતૃત્વ અને માર્ગદર્શનમાં થયું હતું. કાર્યક્રમની આભારવિધિ કુલસચિવ ડો.મનીશ પંડયાએ કરી હતી અને કાર્યક્રમનું સંચાલન સ્પોર્ટસ  ડાયરેકટર ડો.જીગ્નેશ તાળાએ સંભાળ્યું હતું.

(3:44 pm IST)