Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

ઐતિહાસિક નગરી વડનગરમાંથી મળી આવ્યા ઐતિહાસિક સ્થાપત્યઃ પુરાતન વિભાગે હાથ ધર્યુ સંશોધન

બીજી સદીનો વધુ એક બુદ્ઘ સ્તૂપ તથા પ્રાર્થના ગૃહ મળ્યા

વડનગર, તા.૨: ગુજરાતમાંથી વધુ એક ઐતિહાસિક સ્થાપત્ય મળી આવ્યા છે. વડનગરમાં રેલવે ફાટકની નજીકથી માનવામાં આવી રહ્યું છે કે બીજી સદીના બૌદ્ઘ સ્તૂપ અને ચૈત્ય મળી આવ્યા છે. ખનન દરમિયાન આ બુદ્ઘ સ્તૂપ મળી આવ્યો છે. રેલ્વે ફાટકની પાસે ખોદકામ કરવામાં આવી રહ્યું હતું અને તે દરમિયાન આ ઐતિહાસિક સ્થાપત્ય મળી આવ્યું. નોંધનીય છે કે આ સ્તૂપ ૨૦ બાય ૨૦ મીટરનો છે.

જે નવા ઐતિહાસિક સ્થાપત્ય મળી આવ્યા છે તેમાં સ્તૂપની સાથે સાથે પ્રાર્થનાગૃહ પણ મળી આવ્યું છે. નોંધનીય છે કે વડનગરને બૌદ્ઘ સાથે ખૂબ જૂનો નાતો છે અને આ પહેલા પણ ઘાસકોળ દરવાજા પાસે બુદ્ઘ સ્તૂપ મળી આવ્યો હતો. એકલા વડનગરની ધરતીમાં જ ૧૦ બુદ્ઘ સ્તૂપ ધરબાયેલા હોવાનું અનુમાન છે.

રેલ્વે ફાટક પાસેથી મળી આવેલા બૌદ્ઘસ્તૂપ પર હવે પુરાતન વિભાગે વધુ સંશોધન હાથ ધર્યું છે. વડનગરને ઐતિહાસિક નગરી માનવામાં આવે છે અને પુરાતન વિભાગને વિવિધ ઉત્ખનનમાં બૌદ્ઘ ધર્મને લગતા ઘણા પુરાવા મળી આવ્યા છે.

વડનગરમાં પુરાતન વિભાગ દ્વારા અનુમાન છે કે ૧૦ જેટલા બૌદ્ઘસ્તૂપ ધરબાયેલા છે ત્યારે હાલ તો બે સ્તૂપ શોધી કાઢવામાં સફળતા મળી છે.

(2:48 pm IST)