Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

અમદાવાદથી હરિદ્વારની સીધી ટ્રેન ચાલુ નથી થઇ

૧૫૦ વધુ મૃતકોના અસ્થિ વિસર્જન-મોક્ષની રાહ જુવે છે : જેમાં ૪૭ કોરોના દર્દીઓના છે

અમદાવાદ,તા.૨ : કોરોના વાયરસના કારણે જાહેર કરાયેલા લોકડાઉન અને પછી વિવિધ તબક્કામાં થયેલા અનલોકમાં મૃતકોની અસ્થિઓ પણ ડબ્બામાં બંધ રહી, મોક્ષ પ્રાપ્તિની રાહમાં. ઓમ વિશ્રામ ચેરિટેબલ ટ્રસ્ટના એક મોટા રૂમમાં લગભગ ૧૫૦ મૃતકોના અસ્થિ પડ્યા છે, જેમાંથી ૪૦ કોરોનાના દર્દી હતા. કોઈકના અસ્થિ કળશ છત પર ટીંગાડેલા તો કોઈકના છાજલી પર મૂકેલા છે.

 ટ્રસ્ટના પ્રમુખ રવિન્દ્ર કોડેકરે કહ્યું, આ અસ્થિઓ મૃતકોના પરિવારે અહીં રાખ્યા છે. તેઓ હરિદ્વાર જતી ડાયરેકટ ટ્રેનની રાહ જોવે છે, જેથી ત્યાં લઈ જઈને અસ્થિઓને પધરાવી શકાય. સાબરમતી નદીના કિનારે ભદ્રેશ્વર સ્થિત સ્મશાનથી ૨૦૦ મીટરના અંતરે આ ટ્રસ્ટનો રૂમ છે. અહીં આસપાસના વિસ્તારમાં વિચરતી જાતિ છારાના લોકો રહે છે. ત્યારે મોટાભાગની અસ્થિઓ છારા સમુદાય લોકોની છે. ઉપરાંત અન્ય સમુદાયોના લોકોના પણ અસ્થિ છે પરંતુ તેમની સંખ્યા ઓછી છે. પવિત્ર શહેર હરિદ્વાર જઈ શકાય તેવી સ્થિતિ થાય ત્યાં સુધી આ લોકોએ સ્વજનોના અસ્થિ અહીં જ રાખ્યા મૂકી રાખ્યા છે.

 ટ્રસ્ટના રૂમમાં અસ્થિ મૂકનારા ગણપત પરમારે કહ્યું, 'મારા માસીનું નિધન થયું અને અમે રવિવારે તેમના અસ્થિ અહીં જમા કરાવ્યા છે. પરંપરા પ્રમાણે, અસ્થિ વિસર્જન માટે પરિવારજનોએ એકસાથે જવું પડે છે. અસ્થિ પધરાવવા પરિવારના ૨૦ સભ્યોને હરિદ્વાર લઈને જવાના છે અને તેનો ઓછામાં ઓછો ખર્ચ ૫૦,૦૦૦ રૂપિયા જેટલો તો થશે. ડિસેમ્બર અંત સુધીમાં અમારો પરિવાર અસ્થિ વિસર્જન માટે હરિદ્વાર જવાની વિચારણા કરી રહ્યો છે પરંતુ જો કોરોનાના કેસોમાં ઉછાળો આવશે અને સ્થિતિ બગડશે તો આ કામ પાછળ ઠેલાઈ શકે છે. અમે લોકોને કોરોનાના કારણે દમ તોડતાં જોયા છે, માટે ટ્રાવેલિંગ કરવું એકદમ સુરક્ષિત હશે ત્યારે જ કરીશું.'

 ઓમ વિશ્રામ ચેરિટેબલ ટ્રસ્ટના રવિન્દ્ર કોડેકરે કહ્યું કે, કોરોના મહામારીમાં હરિદ્વાર સુધીની ડાયરેકટ ટ્રેન નથી તે પણ એક નડતર છે. 'સામાન્ય રીતે અમે ૧૦૦ જેટલા અસ્થિ કળશનો સંગ્રહ કરીએ છીએ પરંતુ ૧૫૮નો આંકડો સૌથી વધારે છે. ' કોરોના મહામારી દરમિયાન ઘણા લોકો આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છે ત્યારે કોડેકરે કહ્યું કે, 'દરેક મૃતકના પરિવારના બે સભ્યો હરિદ્વાર જઈને અસ્થિ વિસર્જન કરી શકે તે માટે આવવા-જવાનો ખર્ચ ડોનર ફંડમાંથી આપવાની વિચારણા NGO કરી રહ્યું છે.'

(11:39 am IST)