Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

રાજ્યમાં ધીમા પગલે ઠંડીનું આગમન : ઠંડીનો ચમકારો

આગામી સપ્તાહમાં ઝડપથી પારો ગગડશે : સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં સક્રિય સાયક્લોનિક સરક્યૂલેશનની અસરથી રાજ્યમાં ઠંડા પવનોનું જોર વધ્યું

અમદાવાદ, તા. ૧ :  રાજ્યમાં ધીમા પગલે ઠંડીનું આગમન થઈ રહ્યુ છે. અમદાવાદમાં લધુતમ તાપમાનનો પારો ગગડ્યો છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં સક્રિય થયેલા સાયક્લોનિક સરક્યૂલેશનની અસરથી રાજ્યમાં ઠંડા પવનોનું જોર વધ્યું છે. અમદાવાદ સહિત રાજ્યના ૧૪ શહેરોમાં ઠંડીનો પારો ૨૦ ડિગ્રીની આસપાસ પહોંચ્યો છે. જેને પગલે રાજ્યના મોટાભાગના શહેરોમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. આગામી ચાર દિવસમાં શહેરમાં ઠંડીનો પારો ૧૮ ડિગ્રીથી નીચે જવાની આગાહી કરવામાં આવી છે.

ભારતના હવામાન વિભાગના નિષ્ણાંતોએ અનુમાન લગાવ્યું છે કે, આ વર્ષે સામાન્ય કરતાં વધું ઠંડી પડી શકે છે. જેનું કારણ ભારતથી હજારો કિલોમીટર દૂર આવેલો પ્રશાંત મહાસાગરને માનવામાં આવી હહ્યું છે.

નોંધનીય છે કે, રાજ્યમાં હવામાનની સચોટ આગાહીઓ કરવા માટે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે શિયાળાનો વરતારો આપ્યો હતો. તેમણે સમગ્ર ઋતુ કેવી રહેશે તેના અંગે અનુમાન વ્યક્ત કર્યુ છે. અંબાલાલના અનુમાન મુજબ સમગ્ર ઋતુ અને ખેતી વિશે માહિતી આપવામા આવી છે. તેમણે કહ્યું હતુ કે, હાલમાં પરોઢિયે વધુ ઠંડી પડશે અને આ મહિનાની ૩૧મી તારખીથી ૭નવેમ્બર આસપાસ સુધી વાદળ વાયુનું સર્જન થશે. કોઇ કોઇ ભાગોમાં હળવું માવઠું થઇ શકે છે.

અંબાલાલે જણાવ્યું કે ૭મી નવેમ્બર આસપાસ સવારે ઠંડીનો ચમકારો આવી શકે છે અને ૧૮-૧૯ નવેમ્બર આસપાસ સવારે ઠંડીનો વધુ ચમકારો આવી શકે છે. જ્યારે દેશાવર ઠંડીનું આગમન ત્યારબાદ થશે અને આગામી ૪ ડિસેમ્બરથી ઠંડીનું પ્રમાણ વધશે અને ન્યુનતમ તાપમાન ઉત્તર ગુજરાતના ભાગોમાં નીચું જશે.

(9:54 pm IST)