Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

ખેડૂતોને પાક નુકસાની બદલ યોગ્ય રીતે જ વળતર ચુકવાશે

મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ફરી એકવાર ખેડૂતોને હૈયાધારણા : કમોસમી વરસાદ અને વાવાઝોડાની આગાહીને લઇ ૧૫ નવેમ્બર સુધી ટેકાના ભાવે ખરીદી સરકાર દ્વારા સ્થગિત

અમદાવાદ,તા. ૨ : રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે ફરી એકવાર ખેડૂતોને હૈયાધારણ આપતાં પુનરોચ્ચાર કર્યો હતો કે, રાજયમાં કમોસમી વરસાદ અને માવઠાની પરિસ્થિતિથી ખેડૂતોને તેમના પાકનું જે કંઇ નુકસાન થયુ છે, તેનું સરકાર યોગ્ય અને પૂરતુ વળતર ચૂકવવા કટિબધ્ધ છે. સરકારે વીમાકંપનીઓને પણ જરૂરી સૂચના-નિર્દેશો આપી દીધા છે. ખેડૂતોએ તેમના પાકની નુકસાની કે વળતરને લઇ કોઇ ચિંતા રાખવાની જરૂર નથી. વધુમાં, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, આગામી તા.૧૫મી નવેમ્બર સુધી ટેકાના ભાવે હાલ પૂરતી ખરીદી રાજય સરકાર દ્વારા સ્થગિત કરવામાં આવી છે. કારણ કે, આગામી દિવસોમાં મહા વાવાઝોડાની અસર, વરસાદની આગાહી સહિતના કારણોને ધ્યાનમાં લઇને ટેકાના ભાવે મગફળી સહિતના પાકની ખરીદીનો નિર્ણય હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો છે.

                   તેનું બીજુ કારણ એ પણ છે કે, જો ખેડૂતો અત્યારે પડી રહેલા અને વાવાઝોડાની અસરના ભાગરૂપે પડનારા વરસાદી માહોલમાં પોતાનો પાક લઇને વેચાણ માટે આવે તો તે મહામૂલો પાક પલળી જાય. વળી, સરકારી તંત્ર પણ આ પાક ખરીદે તો તે પણ પલળી જવાની દહેશત રહે. આ સંજોગોમાં બધા પાસાઓનો વિચાર કર્યા બાદ હાલ પૂરતી ટેકાના ભાવે ખરીદી સ્થગિત કરવામાં આવી છે પરંતુ ખેડૂતો કોઇપણ પ્રકારની ચિંતા ના કરે. સરકાર ફરીથી ખેડૂતોના હિતમાં ટેકાના ભાવે ખરીદી કરશે તે નક્કી છે.  દરમ્યાન મુખ્યંત્રીએ આજે ફરી એકવાર રાજયના ખેડૂતોને પૂરતી હૈયાધારણ અને સાંત્વના આપતાં જણાવ્યું હતું કે, રાજયમાં જે વિસ્તારોમાં કમોસમી વરસાદ કે માવઠાની પરિસ્થિતિના કારણે ખેડૂતોના પાકને જે કોઇ નુકસાન થયુ છે તે તમામ સરકાર ભરપાઇ કરી આપશે. સરકારે આ માટે વીમાકંપનીઓને પણ જરૂરી સૂચનાઓ અને નિર્દેશો આપી દીધા છે. અસરગ્રસ્ત વિસ્તારો અને ખેડૂતોના પાકના નુકસાનીનો સર્વે પૂર્ણ થયા બાદ સરકાર યોગ્ય વળતરની ખેડૂતોને ચૂકવણી કરશે.

(8:39 pm IST)