Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

જગન્નાથ મંદિરનો ૧૦૦ કરોડ રૂપિયાના ખર્ચની સાથે વિકાસ

અમદાવાદ કોર્પોરેશનનો મહત્વનો નિર્ણય : મંદિરનું વિકાસકાર્ય ત્રણ તબક્કામાં પૂર્ણ કરાશે : આગામી ૪ વર્ષોમાં તમામ જરૂરી કામ પૂરું થવાનો પ્રાથમિક અંદાજ

અમદાવાદ, તા.૧ : અમદાવાદ શહેરમાં આવેલું પ્રાચીન અને સુપ્રસિધ્ધ જગન્નાથ ભગવાનનું મંદિર શહેરની ઓળખ છે. ત્યાં અષાઢી બીજે યોજાતી રથયાત્રા તો વિશ્વભરમાં જાણીતી છે. તો શહેરના લોકો પણ ભગવાન જગન્નાથ પ્રત્યે ખુબ આસ્થા ધરાવે છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હવે સુપ્રસિધ્ધ જગન્નાથજી મંદિરનો રૂ.૧૦૦ કરોડથી વધુના ખર્ચે વિકાસ કરવાનો નિર્ણય લીધો છે. અમ્યુકોના આ નિર્ણયને પગલે શ્રધ્ધાળુ ભકતોમાં ભારે ખુશીની લાગણી છવાઇ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂ.૧૦૦ કરોડથી વધુના ખર્ચે જગન્નાથ મંદિરનો વિકાસ કરવામાં આવશે. અમદાવાદ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીમાં જગન્નાથ મંદિરના નવ નિર્માણના કામને મંજૂર કરવામાં આવ્યા છે. આ તમામ કામ ત્રણ ફેઝમાં પૂર્ણ કરવામાં આવશે. પ્રથમ ફેઝમાં મંદિરની સુંદરતા વધારવા પર કામ થશે. તો બીજા ફેઝમાં ટીપી રોડ પાડીને ગાર્ડન બનાવવાનું કામ કરવામાં આવશે.

            ત્રીજા ફેઝમાં મંદિરથી ભૂરના આરા સુધી આવતા મકાનો દૂર કરાશે. સાથે આસપાસના મંદિરની મિલકતો દૂર કરી મદિરનુ નવ નિર્માણ કરાશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જગન્નાથજી મંદિરનું વિકાસ કાર્ય આગામી ચાર વર્ષમાં પૂરા કરી દેવાનું આયોજન છે. જગન્નાથજી મંદિરના વિકાસમાં મંદિરને અડીને નજીકમાં આવેલ જમાલપુર એપીએમસીને પણ વિકાસ પ્રોજેકટ હેઠળ આવરી લેવાશે. જેના કારણે મંદિરનું પરિસર ઘણું જ વિશાળ અને બહુ વિસ્તરણ પામશે. આ સાથે આજે યોજાયેલી કોર્પોરેશનની બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો હતો કે, દિવાળી પૂરી થયા બાદ કોર્પોરેશન સ્વચ્છતા અભિયાન અંતર્ગત શહેરમાં કચરાનો નિકાલ કરવા માટે ઝડપથી કામ કરશે. આ માટે સફાઈ કર્મચારીઓને સૂચના આપવામાં આવી છે.બીજી તરફ વરસાદને કારણે ધોવાયેલા રોડ અને બિસ્માર રસ્તાઓનું જે કામ બાકી છે તેનું કામ તાત્કાલિક ધોરણે કરવામાં આવશે. પેચવર્ક, રિસરફેસ સહિતની તમામ કામગીરી નજીકના દિવસોમાં જ પૂર્ણ કરવાનું આયોજન હાથ ધરાયું છે.

(9:16 pm IST)