Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

અમદાવાદમાં ઓનલાઇન ઘરઘાટી મંગાવતા દિલ્હીની કંપનીએ આચરી છેતરપીંડી

ઘરઘાટીનો છ મહિનાનો એડવાન્સ પગાર બેંકમાં જમા કરાવ્યા બાદ મોબાઈલ બંધ

અમદાવાદમાં ઓનલાઇન ઘરઘાટી મંગાવતા દિલ્હીની કંપનીએ ફ્રોડ આચર્યાનો એક કિસ્સો સામે આવ્યો છે. મહિલાએ દિલ્હીની કંપનીને ઘરઘાટી બુક કરાવીને પૈસા ભર્યા પછી તે ઘરઘાટી મહિલા ફરાર થઇ ગઇ હતી. જેમાં સેટેલાઇટ પોલીસે ગુનો નોંધ્યો છે.

  મહિલાએ નોંધાવેલ ફરિયાદ પ્રમાણે તેઓની સાથે ગઇકાલે એટલે કે પહેલી નવેમ્બરે આ ઘટના ઘટી હતી. જ્યારે મહિલા બહેન અને માતા સાથે ખરીદી કરી રહી હતી ત્યારે દિલ્હીની કંપની શગુન મેડ બ્યુરોએ ઘરઘાટી તરીકે મોકલેલી મહિલાનો ફોન આવ્યો હતો. ફોનમાં ઘરઘાટીએ કહ્યું હતું કે તે રેલવે સ્ટેશન પહોંચી ગઇ છે. જેથી તેમણે જ્યાં ખરીદી કરી રહ્યાં હતા ત્યાં તે ઘરઘાટીને બોલાવી લીધી હતી. જે પછી દિલ્હીની શગુન મેડ બ્યુરોનો ફોન આવ્યો હતો અને ઘરઘાટીના 6 મહિનાના એડવાન્સ પગાર ચુકવવાનું કહેતા ફરિયાદી મહિલાએ પંજાબ નેશનલ બેંકના એક એકાઉન્ટમાં 46000 રૂપિયા ઓનલાઇન આપ્યાં હતાં.

   આ રૂપિયા ટ્રાન્સફર થઇ ગયા બાદ તે ઘરઘાટી મહિલા આ લોકોની નજર ચૂકવીને ભાગી ગઇ હતી. આ ફરિયાદી મહિલાને જે નંબરથી ફોન આવ્યો હતો તે નંબર પર ફોન કર્યો હતો. પરંતુ ત્યાં કોઇ ઉપાડતા ન હતાં. જેથી મહિલાએ આ અંગેની ફરિયાદ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.

(2:29 pm IST)