Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

મહિન્દ્રા અને ફોર્ડની વચ્ચે સંયુક્ત સાહસની સમજૂતિ

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને ફોર્ડ મોટર કંપનીએ સંયુક્ત સાહસ સ્થાપિત કરવા માટે સમજૂતી કરી છે, જે ભારતમાં ફોર્ડ બ્રાન્ડનાં વાહનો વિકસાવશે, એનું માર્કેટિંગ કરશે અને વિતરણ કરશે તેમજ ફોર્ડ બ્રાન્ડ અને મહિન્દ્રા બ્રાન્ડનાં વાહનો દુનિયાભરનાં ઊંચી વૃદ્ધિ ધરાવતાં વિકાસશીલ બજારોમાં વિકસાવશે, એનું માર્કેટિંગ કરશે અને એનું વિતરણ કરશે. મહિન્દ્રા અને ફોર્ડ સંયુક્ત સાહસની રચના કરશે, જેમાં મહિન્દ્રાનો હિસ્સો ૫૧ ટકા હશે અને ફોર્ડ ૪૯ ટકા હિસ્સો ધરાવશે. ફોર્ડ એની ભારતીય કામગીરી સંયુક્ત સાહસને હસ્તાંતરિત કરશે, જેમાં ચેન્નાઈ અને સાણંદમાં એનાં પર્સનલ અને એસેમ્બલી પ્લાન્ટ સામેલ છે એમ મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રા અને ફોર્ડ મોટર કંપનીના એકઝીકયુટીવ ચેરમેન બિલ ફોર્ડે જાહેરાત કરતાં જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ફોર્ડ સાણંદમાં ફોર્ડ એન્જિન પ્લાન્ટની કામગીરી જાળવી રાખશે તેમજ ગ્લોબલ બિઝનેસ સર્વિસીસ યુનિટ, ફોર્ડ ક્રેડિટ અને ફોર્ડ સ્માર્ટ મોબિલિટી જાળવી રાખશે.

                આ સંયુક્ત સાહસ ફોર્ડ અને મહિન્દ્રા વચ્ચે સપ્ટેમ્બર, ૨૦૧૭માં થયેલી વ્યૂહાત્મક જોડાણની દિશામાં આગામી પગલું છે તેમજ વર્ષ ૨૦૨૦ની મધ્યમાં કાર્યરત થાય એવી ધારણા છે, જે નિયમનકારી મંજૂરીઓને આધિન છે. આ સંયુક્ત સાહસની કામગીરીનું મેનેજમેન્ટ મહિન્દ્રા કરશે અને એનો વહીવટ મહિન્દ્રા અને ફોર્ડનાં સમાન સંખ્યામાં પ્રતિનિધિઓ કરશે. આ સંયુક્ત સાહસ ભારતમાં ફોર્ડ બ્રાન્ડમાં વૃદ્ધિ માટે જવાબદાર હશે તથા એનાં ઉત્પાદનોની નિકાસ આંતરરાષ્ટ્રીય સ્તરે ફોર્ડ કંપનીઓને કરશે. ફોર્ડ ફોર્ડ બ્રાન્ડની માલિકી ધરાવશે અને એનાં બ્રાન્ડેડ વાહનોનું વિતરણ ફોર્ડ ઇન્ડિયાનાં ડિલર નેટવર્ક દ્વારા થશે. મહિન્દ્રા પોતાની મહિન્દ્રા બ્રાન્ડની માલિકી જાળવશે અને ભારતમાં પોતાનાં સ્વતંત્ર ડિલર નેટવર્કને ઓપરેટ કરશે.

                    મહિન્દ્રા ગ્રૂપનાં ચેરમેન આનંદ મહિન્દ્રાએ ઉમેર્યું કે, મહિન્દ્રા અને ફોર્ડ બંને કંપનીઓ લાંબા સમયથી એકબીજાને સહકાર આપે છે અને પરસ્પર વિશ્વાસ તથા સન્માનની ભાવના ધરાવે છે. અમારી સંયુક્ત ક્ષમતા-મૂલ્યકેન્દ્રિત ઇજનેરી અને એનાં સફળ ઓપરેટિંગ મોડલમાં મહિન્દ્રાની કુશળતા અને ફોર્ડની ટેકનિકલ કુશળતા, આંતરરાષ્ટ્રીય સંશોધન તથા ભવિષ્યની ટેકનોલોજીની સુલભતા સફળતા માટે સુભગ સમન્વય સમાન છે. બંને કંપનીઓ વચ્ચે પાર્ટનરશિપનું હાર્દ તેમનાં એકસમાન મૂલ્યો છે, જેનાં થકી પાર્ટનરશિપ આગળ વધશે. તો, ફોર્ડ મોટર કંપનીનાં એક્ઝિક્યુટિવ ચેરમેન બિલ ફોર્ડે જણાવ્યું કે, ફોર્ડ અને મહિન્દ્રા એકસાથે કામ કરવાનો લાંબો ઇતિહાસ ધરાવે છે અને અમને ભારતમાં ફોર્ડ બ્રાન્ડને તેમની સાથે વિકસાવવા પાર્ટનરશિપ કરવાનો ગર્વ છે. અમે અમારાં કર્મચારીઓ, ડિલર્સ અને સપ્લાયર્સ પ્રત્યે કટિબદ્ધતા જાળવી રાખીશું તથા જોડાણનાં આ નવા ગાળામાં અમને આ મહત્ત્વપૂર્ણબજારમાં ગ્રાહકોને વધારે વાહનો ડિલિવર કરવાની સુવિધા મળશે.

(10:23 pm IST)