Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

બે સગીરાનું અપહરણ કરીને વિડિયો બનાવાતા સનસનાટી

રિક્ષામાં ફરવા જવાના બહાને સગીરોનું કૃત્ય : વિડિયો વાયરલની ધમકી આપી બ્લેકમેઇલિંગ કરતા હતા મેઘાણીનનગર પોલીસની પાંચ સગીરોની આખરે ધરપકડ

અમદાવાદ, તા.૨ : શહેરના મેઘાણીનગર વિસ્તારમાં કલાપીનગર નજીકથી બે સગીરાનું રિક્ષામાં ફરવા જવાના બહાને અપહરણ કરી તેમનો વિડીયો ઉતારી બ્લેકમેઇલિંગ કરતા હોવાનો ચકચારી કિસ્સો સામે આવ્યો છે. મેઘાણીનગર પોલીસે આ પ્રકરણમાં બે સગીરાનું અપહરણ કરી તેમનો વીડિયો ઉતારી તેઓને બ્લેકમેઇલ કરવાના કૃત્યમાં સંડોવાયેલા પાંચ સગીરની ધરપકડ કરી તેમને બાળ રિમાન્ડ હોમમાં મોકલી આપ્યા છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, મેઘાણીનગરના કલાપીનગરમાં આવેલી ચાલીમાં રહેતી અને ધો.૬ માં અભ્યાસ કરતી એક સગીરા ચાર-પાંચ દિવસ પહેલા તેની બહેનપણી સાથે નજીકમાં જ રહેતી અન્ય બહેનપણીના ઘરે જવા નીકળી હતી. બંને બહેનપણીઓ ચાલીની બહાર નીકળી ત્યારે તેમને ઓળખતો એક સગીર મળ્યો હતો. બંને તેને ઓળખતી હોવાથી ત્યાં વાતચીત કરવા લાગ્યા હતા. થોડીવાર બાદ અન્ય સગીર ત્યાં આવ્યો હતો. બંને સગીરોએ રીક્ષામાં આંટો મારવાના બહાને બંને સગીરાઓને રિક્ષામાં લઇ ગયો હતો. કુલ પાંચ સગીર અને બે સગીરાઓ રીક્ષામાં ગયા હતા. આગળના ભાગે ચાલકની આજુબાજુમાં બે સગીરો બેઠા હતા અને પાછળની સીટ પર આ બંને બહેનપણીઓ અને બે સગીરો બેઠા હતા. રીક્ષા કલાપીનગરથી આગળ નીકળી ત્યારે અચાનક જ પાછળ બેઠેલા બંને સગીરોએ બંને સગીરાનું મોઢું દબાવી છેડછાડ કરવા લાગ્યા હતા. મોઢા પર હાથ મુકી દીધો હોવાથી બંને સગીરાઓ બુમાબુમ કરી શકતી ન હતી.

               આગળ બેઠેલા એક સગીરે તેના મોબાઈલ ફોનમાં સગીરાની છેડછાડ કરતો વિડીયો ઉતાર્યો હતો.રીક્ષાને સતત ફરતી રાખી બંનેના વિડીયો બનાવી લીધા હતા. બાદમાં રીક્ષાને કલાપીનગર ચાર રસ્તા પાસે ઉભી રાખી સગીરાઓને ઉતારી દીધી હતી. તેઓને ધમકી આપી હતી કે, જો આ બાબતે કોઈને કહેશે તો વિડીયો વાયરલ કરી દઈશું. વીડિયો ઉતાર્યા બાદ આરોપી સગીરો સતત બંને સગીરાઓને વીડિયો વાઇરલ કરવાની બ્લેક મેલ કરી ધમકીઓ આપવા લાગ્યા હતા. જેથી બંને સગીરાઓ ગભરાઈ ગઈ હતી. આખરે એક સગીરાએ હિંમત કરીને તેના પિતાને સમગ્ર ઘટના જણાવતા તેઓ ચોંકી ઉઠયા હતાં. આ મામલે મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તાત્કાલિક પાંચેય સગીરોની ધરપકડ કરી ખાનપુર બાળ રિમાન્ડ હોમમાં મોકલી આપ્યા હતા અને સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી.

(8:50 pm IST)