Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

સુરતમાં કોમ્પલેક્સનો દાદરનો તુટી પડતા ભારે નાસભાગ થઇ

ગાંધી જ્યંતિની રજાને લઈને મોટી દુર્ઘટના ટળી : સીડીનો ભાગ તુટ્યો : કાટમાળમાં કાર અને મોપેડ દબાયા

અમદાવાદ, તા.૨ : સુરતના સિટીલાઈટ વિસ્તારમાં આવેલા સિટીલાઈટ કોમ્પલેક્સનો એક ભાગ ધરાશાયી થઈ ગયો હતો. કોમ્પલેક્સનો દાદરનો ભાગ ધરાશાયી થતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. જેથી ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને કાટમાળમાં કાર, મોપેડ સહિતના દબાયેલા વાહનોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. જો કે, ગાંધી જયંતીની રજા હોઇ કોમ્પલેક્સમાં લોકોની અવરજવર નહી હોઇ મોટી દુર્ઘટના ટળી ગઇ હતી. અન્યથા મોટી જાનહાનિ કે ઇજાની દુર્ઘટના નોંધાઇ હોત. બનાવને પગલે સ્થાનિક લોકોમાં થોડો ભયનો માહોલ ફેલાયો હતો. આ અંગે પ્રાપ્ત માહિતી પ્રમાણે, સુરતના સિટી લાઈટ કોમ્પલેક્સમાં દુકાનોની સાથે ટ્યૂશન ક્લાસીસ પણ આવેલા છે. પરંતુ આજે ગાંધી જયંતીની રજા હોવાના કારણે ટ્યૂશન ક્લાસીસ બંધ હતા

                   અને કેટલીક દુકાનો પણ બંધ હતી. જેને પગલે આ ઘટનામાં મોટી દુર્ઘટના ટળી હતી. કોમ્પલેક્સનો દાદરનો ભાગ ધરાશાયી થતા કોમ્લપેક્સની દુકાનોમાંથી લોકો બહાર દોડી આવ્યા હતા. ધડાકાભેર તૂટી પડેલા દાદરના ભાગના પગલે લોકોમાં ભયનો માહોલ પણ જોવા મળ્યો હતો. જો કે, કોઈ જાનહાનિ ન થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. તંત્રએ પણ ભારે રાહત અનુભવી હતી અને કાટમાળ ખસેડવાની કામગીરી તાત્કાલિક ધોરણે હાથ ધરી હતી. સિટીલાઇટ કોમ્પલેક્સના દાદરનો ભાગ તૂટી પડયા બાદ આસપાસના લોકો દુર્ઘટના અને કાટમાળના દ્રશ્યો જોવા માટે ખૂબ મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા. ફાયરબ્રિગેડના જવાનોએ તેઓને દૂર રાખી કાટમાળ ખસેડવાની કામગીરી હાથ ધરી હતી.

(8:48 pm IST)