Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

પદ્મશ્રી ડોક્ટર એચએલ ત્રિવેદીનું થયેલું અવસાન

હજારો કિડની ટ્રાન્સપ્લાન્ટ કરી હતી

અમદાવાદ, તા.૨ : આશરે પાંચ હજારથી વધુ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરનાર નેફ્રોલોજિસ્ટ પદ્મશ્રી ડો. એચ.એલ. ત્રિવેદીનું આજે ૯૦ વર્ષની ઉંમરે દુઃખદ નિધન થયુ હતું. તેઓ છેલ્લા લાંબા સમયથી બીમાર હતા. બપોરે અઢી વાગ્યે તેમનું અવસાન થયું હતું. આવતીકાલે તેમના પાર્થિવ દેહને દર્શનાર્થે ઈન્સ્ટિટ્યુટના પ્રિમાઈસિસમાં સવારે ૮-૦૦ વાગ્યાથી ૧૧-૦૦ વાગ્યા સુધી રાખવામાં આવશે. સિવિલ હોસ્પિટલના ડો.એમ.એમ.પ્રભાકર સહિતના સિવિલ હોસ્પિટલ, કિડની ઇન્સ્ટીટયુટ સહિત તબીબી આલમના માંધાંતાઓએ ડો.ત્રિવેદીને ભાવભીની શ્રધ્ધાંજલિ અર્પી હતી. કિડની ટ્રાન્સપ્લાન્ટના પ્રણેતા ડો.એચ.એલ.ત્રિવેદીને ભારે આદર અને માન સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. વિશ્વભરમાં તબીબી ક્ષેત્રે માનવ કીડની ટ્રાન્સપ્લાન્ટ માટે જાણીતા બનેલા ડો. ત્રિવેદીનું આખુ નામ ડો. હરગોવિંદ લક્ષ્મીદાસ ત્રિવેદી હતું. તેઓ સુરેન્દ્રનગરના ચોરવાડ ગામના વતની હતાં.

             શરૂઆતમાં તેમણે બી.જે મેડિકલ કોલેજમાં અધ્યાપક તરીકે ફરજ બજાવી હતી, ત્યારબાદ તેઓ કેનેડા જઇને વસી ગયા હતા. પરંતુ પોતાના વતનની યાદ તેમને ફરી એકવાર ભારત લઇ આવી હતી. તેમણે અમદાવાદમાં આવી સિવિલ હોસ્પિટલમાં કિડની હોસ્પિટલની શરૂઆત કરી હતી. કિડની હોસ્પિટલમાં તેમણે એક પછી એક કિડની ટ્રાન્સપ્લાન્ટ કરી અનોખા રેકોર્ડ બનાવ્યા હતા. તેમનો ૪૦૦ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવાનો અનોખો રેકોર્ડ આજે પણ યાદગાર છે. ડો.એચ.એલ.ત્રિવેદીએ તેમના પ્રોફેશન દરમ્યાન આશરે પાંચ હજારથી વધુ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરી લોકોની જીંદગી બચાવી હતી.

(8:37 pm IST)