Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

બસ ડ્રાઇવરોના મોબાઇલ પર પ્રતિબંધ મુકવા માટેની માંગણી

ચાલુ બસે ડ્રાઇવર વિડિયો ઉતારતો હોવાનું ખુલ્યું : બસના ડ્રાઇવરોને ડ્રાઇવિંગ દરમ્યાન મોબાઇલ ન આપવા માટેની માંગ ઉઠી : અંબાજી દુર્ઘટનાને લઇ લોકોમાં રોષ

અમદાવાદ, તા.૨ : અંબાજી પાસેના ત્રિશુલિયા ઘાટ પાસે તાજેતરમાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં અને તેમાં એકસાથે ૨૨ મુસાફરોના ચકચારભર્યા મોત પ્રકરણમાં લકઝરી બસના ડ્રાઇવરનો વીડિયો વાયરલ થતાં હવે વ્યાપક જન આક્રોશ ભભૂકી ઉઠયો છે. લકઝરી બસનો ડ્રાઇવર મુનીર બસ ચલાવતાં ચલાવતાં વીડિયો ઉતારી રહ્યો હોવાનું વાયરલ વીડિયોમાં સ્પષ્ટ રીતે સામે આવ્યું છે, જેથી હવે પોલીસે પણ તપાસ શરૂ કરી છે અને આ સમગ્ર પ્રકરણમાં સાપરાધ મનુષ્ય વધનો ગુનો દાખલ કરવાની દિશામાં તજવીજ હાથ ધરી છે. બીજીબાજુ, બસના ડ્રાઇવરની આટલી ગંભીર બેદરકારી અને નિર્દોષ લોકોના જીવ જોખમમાં મૂકવાની ગંભીર ભૂલને લઇ હવે લોકોએ ભારે આક્રોશ સાથે રાજય સરકાર સમક્ષ ઉગ્ર માંગ ઉઠાવી છે કે, અવારનવાર મોબાઇલના કારણે સેલ્ફી કે વીડિયો ઉતારવાના કે ફોન કોલ્સ ઉઠાવવાના કે મોબાઇલ પર વાત ચક્કરમાં મુસાફરો-યાત્રિકોના જીવ દાવ પર લાગી જાય છે ત્યારે હવે રાજયભરમાં લકઝરી બસ કે એસટી બસના ડ્રાઇવરોને બસના ડ્રાઇવીંગ દરમ્યાન મોબાઇલ પર તાત્કાલિક અસરથી કડક પ્રતિબંધ લાદવો જોઇએ. ડ્રાઇવીંગની ફરજ દરમ્યાન બસના ડ્રાઇવર પાસે મોબાઇલ જ ના હોય તેવો કડક નિયમ લાગુ કરવા જનઆક્રોશમાં માંગણી ઉઠી છે. તાજેતરમાં જ અંબાજી-દાંતા માર્ગ પરના અત્યંત ગંભીર એવા ત્રિશૂળિયા ઘાટ પરના માર્ગ અકસ્માતમાં ચરોતર પંથકના ૨૨ યાત્રિકોના મોત તેમજ ૫૫થી વધુને ઇજા પહોંચી હતી. દાંતાથી ૮ કિલોમીટર દૂર અંબાજી જવાના માર્ગ પર ત્રિશૂળિયા ઘાટ પાસે અવાર નવાર અકસ્માતો બનતાં અહીં હનુમાન મંદિરની સ્થાપના કરાઈ હતી.

             છેલ્લા ચાર મહિનામાં જ ત્રીજો મોટો અકસ્માત ફરી આજ સ્થળે સર્જાતાં હાહાકાર મચી ગયો હતો. અંબાજી ત્રિશૂળિયા ઘાટની ભયજનક વળાંકવાળી જગ્યાએ છેલ્લા ચાર મહિનામાં ત્રણ અકસ્માતોમાં ૩૦ લોકોએ જીવ ગુમાવ્યા અને ૯૩ લોકો ગંભીર રીતે ઘવાયા હતા. ઉલ્લેખનીય છે કે, ગત તા.૧૯ એપ્રિલે અંબાજીથી ભાભર જતી એસટી બસની બ્રેક ફેઇલ થઈ હતી. જો કે, ડ્રાઇવરે સમય સૂચકતા વાપરી બસને ભેખડ સાથે અથડાવતાં મોટી જાનહાની ટળી હતી. બસમાં ૭૦ મુસાફરો સવાર હતા. દરમ્યાન તા.૭ જૂન ૨૦૧૯ના રોજ ભલગામના સિપાઇ પરિવાર પીકઅપ ડાલા (જીજે ૮ એયુ ૩૪૪)માં ત્રિશૂળિયો ઘાટ ઉતરી રહ્યા હતા તે સમયે અકસ્માતમાં એક જ પરિવારનાં ૯ લોકોનાં મોત નીપજયાં હતાં, જયારે ૨૬થી વધુ લોકો ઘાયલ થયા હતા અને તાજેતરમાં તા.૩૦ સપ્ટેમ્બરે અકસ્માતમાં ૨૨ ના મોત, જયારે ૫૩થી વધુ લોકો ઘાયલ થયા હતા. અંબાજી ૧૦૮ દ્વારા અકસ્માતમાં ઘવાયેલા ૧૭૯ લોકોને, જયારે દાંતા ૧૦૮ દ્વારા ૩૮૩ ઘાયલોને સારવાર અપાઇ હતી. આમ, આ ત્રિશૂળિયા ઘાટ ગોઝારા-ગમખ્વાર સાબિત થઇ રહ્યો છે.

(8:44 pm IST)