Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

મેઘરાજા, ગૂડબાય...ગુજરાતમાંથી ચોમાસુ વિદાય ભણી

રાજયમાં ૧૪૦.૯પ ટકા વરસાદઃ આજે સવારે નવસારીમાં ૧ ઇંચ, બપોરથી સર્વત્ર મેઘ વિરામ : હવામાન ખાતાએ સરકારને આપેલ નિર્દેષ મુજબ શનિવાર સુધી નોંધપાત્ર વરસાદની શકયતા નથી, ત્યારપછી પણ વરસાદ આવે તેવી કોઇ સિસ્ટમ દેખાતી નથી

રાજકોટ, તા. ૨ :. ગુજરાતમાં સતત બે મહિના ધબધબાટી બોલાવ્યા બાદ હવે મેઘરાજા વિદાય તરફ છે. સામાન્ય રીતે સપ્ટેમ્બર અંતમાં ચોમાસુ વિદાય લઈ લેતુ હોય છે. આ વખતે ઓકટોબર પ્રારંભે પણ ચોમાસાનો માહોલ રહ્યો છે. જો કે હવે રાજ્યમાંથી ચોમાસુ વિદાય તરફ હોવાના વાવડ છે. ખેડૂતો અને ખેલૈયાઓ માટે આ ખુશખબર છે. રાજ્ય સરકારને હવામાન શાસ્ત્રીઓએ તા. ૫ ઓકટોબર સુધી કયાંય નોંધપાત્ર વરસાદની સંભાવના ન હોવાનો નિર્દેશ કર્યો છે. ત્યાર પછી પણ વરસાદ પડે તેવી કોઈ સિસ્ટમ હાલ દેખાતી નથી. કોઈ અણધાર્યા કુદરતી ફેરફારો ન થાય તો ગુજરાતમાંથી હવે મેઘરાજાની વિદાય થઈ રહી છે. આજે સવારમાં નવસારીમાં ૧ ઈંચ વરસાદ પડેલ. બપોરથી સમગ્ર રાજ્યમાં મેઘવિરામ છે.

રાજ્યમાં આ વખતે મોસમનો ૧૪૦.૯૫ ટકા વરસાદ પડયો છે. ૨૫૧ પૈકી ૨૪૪ તાલુકાઓમાં ૧૦ ઈંચથી વધુ વરસાદ પડી ગયો છે. આ વખતનો વરસાદ સંતુલીત રહ્યો છે. સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડીયામાં ધોધમાર વરસાદ શરૂ થતા ખેડૂતો અને નવરાત્રીના ખેલૈયાઓના જીવ અધ્ધર થઈ ગયેલ પરંતુ હવે તેમના માટે રાહતના સમાચાર છે. સમગ્ર રાજ્યમાંથી ચોમાસુ વિદાય લઈ રહ્યુ છે. ગઈકાલે રાજ્યના વેધર વોચ ગ્રુપની બેઠક બાદ આ તારણ નિકળ્યુ છે. પીવાના પાણીની દ્રષ્ટિએ ચોમાસુ ગુજરાતને ફળ્યુ છે. રાજ્યના જળાશયોમાં ૯૨.૯૨ ટકા જળજથ્થો ઉપલબ્ધ થયો છે. સરદાર સરોવર ડેમની સપાટી ૧૩૮.૨૯ મીટરે વહી રહી છે. સમગ્ર રાજ્યમાં સંતોષકારક વરસાદ બાદ હવે ચોમાસુ લગભગ પુરૂ થઈ ગયુ છે. એકદમ ટૂંક સમયમાં જ હવામાન વિભાગ ચોમાસાની વિદાયની સત્તાવાર જાહેરાત કરે તેવી સંભાવના છે.

(5:32 pm IST)