Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

પાટણના વિવિધ અણઉકેલ પ્રશ્નો ઉકેલવા ધારાસભ્ય કિરીટ પટેલના ધરણા

પાટણ તા ૨  :  શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા ભારે વરસાદ બાદ શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઇ જવાના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. બીજી તરફ થોડાક સમય અગાઉ બનાવવામાં આવેલા ડામર રોડો તુટી જતાં વાહન ચાલકો મુશ્કેલી સહન કરી રહ્યા છે. તેમજ રોડના કામોની ગુણવત્તા પર સવાલો ઉઠી રહ્યા છે. રેલ્વે ફાટક પાસે પડેલા ખાડાના કારણે તેમજ અવાર નવાર રેલ્વે ફાટક બંધ થવાને કારણે લોકોને કલાકો સુધી ટ્રાફીકમાં હેરાન થવું પડે છે. ઓવરબ્રીજ બનાવવા માટે અનેકવાર રજુઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી થઇ રહી નથી. શહેરની મોટાભાગની સ્ટ્રીટ લાઇટો ચોમાસામાં બંધ છે, જેને લઇ લોકોને રાત્રે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમજ શહેરમાં રખડતા ઢોરોને પકડવા માટે નગરપાલિકા તંત્ર દ્વારા કોઇ નક્કર આયોજન કરવામાં ન આવતા નિર્દોષ લોકો અવાર નવાર તેનો ભોગ બને છે ત્યારે આ તમામ સમસ્યાઓને લઇ આજરોજ ધારાસભ્ય કિરીટભાઇ પટેલ, નગરપાલિકાના ઉપપ્રમુખ લાલેશભાઇ ઠક્કર સહીત કોંગ્રેસના નગરસવેકો, કાર્યકરોએ કલેકટર કચેરીમાં પ્રતિક ધરણા યોજી કલેકટર આનંદ પટેલને આવેદન પત્ર આપી આ સમસ્યાનો ઝડપથી ઉકેલ લાવવા રજુઆત કરવામાં આવી હતી, ત્યારે કલેકટરે નગરપાલિકા કક્ષાના પ્રશ્નો અંગે ચીફ ઓફીસરનું ધ્યાન દોરવા હૈયા ધારણા આપી હતી.

(3:21 pm IST)