Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

રાઠવા-કોળી સમાજને અનુસુચિત જનજાતિમાં સામેલ કરવાનો વિરોધઃ હાઇકોર્ટમાં થઇ PIL

હાઇકોર્ટે રાજય-કેન્દ્ર સરકારને મોકલી નોટિસ

અમદાવાદ, તા.૨: રાઠવા અને કોળી સમાજને અનુસૂચિત જનજાતિ (ST)માં ન ગણવાની રજૂઆત કરતી જાહેરહિતની અરજી કરવામાં આવી છે. PILના પગલે ગુજરાત હાઈકોર્ટે રાજય અને કેંદ્ર સરકારને નોટિસ મોકલી છે. જેનો જવાબ ૧૫ ઓકટોબર સુધીમાં બંને સરકારોએ આપવાનો રહેશે. જાહેરહિતની અરજી પર ૧૫ ઓકટોબરે સુનાવણી થવાની છે.

દાહોદ જિલ્લાના કેટલાક આદિવાસી લોકો દ્વારા જાહેરહિતની અરજી કરવામાં આવી છે. રાઠવા-કોળી સમાજને અનુસૂચિત જનજાતિમાં સમાવિષ્ટ કરવાના ગુજરાત સરકારના નિર્ણયનો વિરોધ કરવા PIL કરવામાં આવી છે. PIL મુજબ, રાઠવા-કોળી સમાજ OBCના યાદીમાં હોવા છતાં તેમને અનુસૂચિત જનજાતિમાં સમાવિષ્ટ કરાયા છે. જાહેરહિતની અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે, બંધારણની કલમ ૩૪૨ પ્રમાણે, ગુજરાતનો રાઠવા અને કોળી સમાજ અનુસૂચિત જનજાતિની યાદીમાં નથી, જેથી STના મળતા લાભ પણ તેમને ના મળવા જોઈએ. માટે હાઈકોર્ટ પણ બંધારણની આ બાબત પર અડેલી રહે.

રાઠવા અને કોળી સમાજને ST પ્રમાણે, શિક્ષણ અને સરકારી નોકરીમાં મળતા લાભ પાછા ખેંચી લેવા જોઈએ કારણકે આ નિર્ણયના લીધે ખરેખર પછાત હોય તેવા લોકોને બંધારણ મુજબ તેમના લાભ મળતા નથી, તેવી રજૂઆત જાહેરહિતની અરજીમાં કરવામાં આવી છે. અરજીકર્તાઓએ રાષ્ટ્રપતિના વિવિધ આદેશો રજૂ કર્યા અને દાવો કર્યો કે, રાઠવા-કોળી સમાજ સૂચિમાં નથી કે રાઠવા સમાજની યાદીના કૌંસમાં પણ નથી. અરજીમાં રજૂઆત કરવામાં આવી કે, ૧૯૮૨માં રાજય સરકારે આ પ્રક્રિયા શરૂ કરી હતી અને બાદમાં સમાજના લોકોને ST સર્ટિફિકેટ અપાયા હતા. ૨૦૧૩માં રાજય સરકારે ૧૯૮૨ અને ૧૯૮૬માં બહાર પાડેલા પરિપત્રનો અમલ કરવાનો નિર્ણય કર્યો તેમજ ST સર્ટિફિકેટ આપ્યા હતા.

(1:30 pm IST)