Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

યુવકોને ફસાવવા માટે યુવતીઓને ખાસ તાલીમ અપાતીઃ એચ.આર.મુલીયાણા

મૂળ અમરેલીના કેલ્વીને બીટ કોઇનમાં લાખો રૂપીયા ગુમાવ્યા બાદ શોર્ટ કટથી રૂપીયા મેળવવા સત્યમ ઉર્ફે ડેનીનો સંપર્ક સાધ્યો અને સુરતમાં 'આ જા ફસા જા' જેવા કોલ સેન્ટરનો ઉદય થયોઃ એ, સોફટવેરમાંથી ૧૦૦ SMS એક સાથે થઇ જતાઃ લાચાર લોકોના બેંક એકાઉન્ટ ભાડે રખાયેલાઃ એટીએમ પણ ઠગ ટોળકી પાસે જ રહેતાઃ બે સગા ભાઇ-બહેન સાથે જ નોકરી કરતાઃ સુરતના એડીશ્નલ પોલીસ કમિશ્નર અકિલા સમક્ષ વર્ણવે છે આંતરરાજય કૌભાંડની રસપ્રદ કથા

રાજકોટ, તા., રઃ દેશ અને વિદેશની યુવતીઓ સાથે મિત્રતા કરાવી દેવાની લાલચ આપતા, ગલગલીયા કરાવતા એસએમએસ દ્વારા યુવાનોને શીશામાં ઉતારવાનું મસ મોટુ કૌભાંડ સુરતમાં સાયબર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા બાદ આ બનાવની સુરત ક્રાઇમ બ્રાન્ચના વડા એચ.આર.મુલીયાણા ટીમ દ્વારા તપાસનો ધમધમાટ બોલાવતા કેટલીક  ચોંકાવનારી વાતો બહાર આવવા સાથે ટેકનોલોજીનો ગેરઉપયોગ કરી કેવા ગોરખધંધા ચાલી રહયા છે તેનું રાજયવ્યાપી  નેટવર્કનો પર્દાફાશ તુર્તમાં થનાર હોવાનું અકિલા સાથેની વાતચીતમાં સુરત ક્રાઇમ બ્રાન્ચના એડીશ્નલ પોલીસ કમિશ્નર એચ.આર.મુલીયાણાએ જણાવ્યું હતું.

તેઓએ જણાવેલ કે મૂળ અમરેલીનો કેલ્વીન બીટ કોઇન્સ તથા અન્ય ધંધામાં લાખો રૂપીયા ગુમાવતા પૈસાની તંગીના કારણે શોર્ટકટથી લાખો રૂપીયા કમાવાની વેતરણમાં હતો તેવા સમયે તેને સત્યમ ઉર્ફે ડેનીનો પરીચય થયો અને સવા લાખ રૂપીયાના ભાડાવાળી ઓફીસ રાખવા સાથે તેમાં અડધો ડઝન યુવતીઓને નોકરી આપી અને રસીક અને લહુરીયા યુવાનોને ફસાવવા માટેનું આખુ પ્લાનીંગ શરૂ થયું હતું.

આ ઠગ ટોળકીએ એવા પ્રકારનું સોફટવેર  યુ ટયુબની મદદથી ખરીદ્યું હતું કે જેમાં એક સાથે ૧૦૦ એસએમએસ ચાલ્યા જાય. એસએમએસમાં જે નંબરો આવે તે પોતાના જ સ્ટાફના ર૦ જેટલા યુવક-યુવતીઓના નામે મેળવ્યા હતા. છોકરીઓ સાથે ફ્રેન્ડશીપ  કરાવી દેવાના મેસેજ માટે યુવાનોના ફોન આવે ત્યારે તેને વિશ્વાસ બેસાડવા યુવતીઓ જ વાત કરતી.

છેલ્લા છ માસથી ધમધમતા આ કારોબારમાં ઠગ ટોળકીએ ખર્ચ બાદ કરતા ર૦ થી રપ લાખની કમાણી કરી હતી. સુરતના પોલીસ કમિશ્નર એચ.આર. મુલીયાણાએ અકિલા સાથેની વાતચીતમાં એવું જણાવેલ કે ચોક્કસ એકાઉન્ટમાં રકમ જમા કરવા માટે કહેવાતું. આ બધા એકાઉન્ટ નાના માણસોના હતા જે ઠગ ટોળકીએ ભાડે રાખ્યા હતા અને તેઓને દર માસે નિયમીત રકમ આપી દેવામાં આવતી. ઠગ ટોળકી દ્વારા એ એકાઉન્ટના એટીએમ કાર્ડ પોતાની પાસે રાખવામાં આવતા. રસીક યુવકો દ્વારા ભરાયેલી એ રકમો ઉપાડી લેવામાં આવતી. આ કોલ સેન્ટરમાં સગા ભાઇ-બહેન પણ કામ કરતા હોવાનું બહાર આવ્યું છે.

કોલ સેન્ટરમાં ફરજ બજાવતી લાચાર યુવતીઓને યુવકો સાથે કઇ રીતે મીઠી ભાષામાં અને તેઓ લલચાય તે રીતે વાત કરવી તે માટે પણ ખાસ તાલીમ આપવામાં આવતી હતી. એચ.આર.મુલીયાણાએ અકિલા સાથેની વાતચીતમાં એક ચોંકાવનારી વાત એ કરી કે યુ ટયુબની કેટલીક પેટા સાઇટો દ્વારા આપણા નંબર તેઓને મળી જાય તેવી ટેકનીક હોવાથી ઠગો આવી ટેકનીકનો ખુબીથી ઉપયોગ કરે છે. આ પ્રકારના કેટલા સોફટવેર બનાવ્યા છે? કેટલા અન્ય લોકો છેતરાયા છે? તેની માહિતી મેળવવા સાયબર ક્રાઇમ ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચની ટીમો સક્રિય બની છે.

(12:13 pm IST)