Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

ઇશરત જહાની માતાએ ખાસ CBI કોર્ટમાં કહ્યું

હું ઇન્સાફની લાંબી લડાઇ લડયા બાદ હવે અસહાય-નિરાશ છું :હવે સુનાવણીમાં નહિ આવું

અમદાવાદ, તા.૨: દીકરીને ન્યાય અપાવવા માટે વર્ષોથી કાયદાકીય લડત લડી રહેલા ઈશરત જહાંના માતા શમીમા કૌસરે હથિયાર હેઠાં મૂકી દીધા છે. મંગળવારે શમીમા કૌસરે CBI કોર્ટને જણાવ્યું કે, લાંબી કાયદાકીય લડતથી તેઓ થાકી ગયા છે અને હવે આગળ કેસ લડવા માગતા નથી. મુંબઈના શમીમા કૌસરે ઈન્વેસ્ટિગેશન એજન્સી CBIના ૧૮ સપ્ટેમ્બરે પત્ર લખીને વિનંતી કરી કે, કોર્ટને જાણ કરી દે કે કાયદાકીય પ્રક્રિયામાં તેઓ હવે પક્ષકાર રહ્યા નથી.

શમીમા કૌસરના વકીલ શમશાદ પઠાણે મંગળવારે સીબીઆઈ કોર્ટમાં પત્ર રજૂ કર્યો. જેમાં શમીમાએ ગુજરાત પોલીસના અધિકારીઓ ડી. જી. વણઝારા અને એન. કે. અમીનની ડિસ્ચાર્જ અરજી મંજૂર થવાથી નારાજગી વ્યકત કરી છે. ઉલ્લેખનીય છે કે, ૨૦૦૪ના એન્કાઉન્ટર કેસમાં ઈશરત જહાં, જાવેદ શેખ ઉર્ફે પ્રણેશ પિલ્લાઈ, અમજદ અલી રાણા અને જિશાન જોહરના મોત થયા હતા.

શમીમા કૌસરે પત્રમાં લખ્યું, 'હું હતાશ છું અને સજામાંથી મુકિત આપવાની આ સંસ્કૃતિના કારણે મારો આત્મા છિન્નભિન્ન થઈ ગયો છે. માટે જ મેં મારા વકીલ વૃંદા ગ્રોવરને જણાવ્યું કે, લડત લડવાની મારી ઈચ્છા મરી ગઈ છે અને હવે ન્યાયિક પ્રક્રિયા માટે CBI કોર્ટમાં હાજર નહીં રહી શકું. લાંબો સમય ચાલેલી અને જટિલ કાયદાકીય પ્રક્રિયાએ મને થકવી નાખી છે, નિરાશ કરી છે.

૨૦૦૪થી એન્કાઉન્ટર કેસમાં ન્યાય મેળવવા માટે લડત આપી રહેલા શમીમા કૌસરે આગળ લખ્યું, મેં કયારેય નહોતું વિચાર્યું કે, ન્યાય મેળવવો મુશ્કેલ, કષ્ટપ્રદ, જીવન ખર્ચાઈ જાય તેવો અને લગભગ અશકય હશે. આટલા લાંબા સમય સુધી ન્યાય માટે લડત લડ્યા બાદ હવે હું નિરાશ અને લાચાર છું. વિલાપ કરતાં શમીમા કૌસરે કહ્યું કે, બધા આરોપી પોલીસકર્મીઓ જામીન પર મુકત હતા અને તેમની સામે હત્યા તેમજ ષડયંત્રનો કેસ ચાલતો હોવા છતાં કેટલાક તો ફરી સર્વિસમાં જોડાઈ ગયા હતા. પત્રમાં શમીમા કૌસરે ઉલ્લેખ કર્યો કે, ગુજરાત સરકારે આરોપીઓ સામે ટ્રાયલ ચલાવવાની મંજૂરી આપી નહોતી.

શમીમા કૌસરે કહ્યું કે, ૧૧ આરોપી પોલીસકર્મીઓ સામે કેસ ચલાવવીને ન્યાય અપાવવો સીબીઆઈની ફરજ છે. શમીમાએ પત્રમાં લખ્યું, 'સજામાંથી મુકિત આપવાની આ પ્રથા નાબૂદ થવી જોઈએ જેથી નિર્બળ નિર્દોષ નાગરિકોની જિંદગી બચાવી શકાય. આ મારી એકલીની લડત નહોતી. હવે દોષિતો સામે કેસ ચાલે અને સજા મળે તે જોવાનું કામ સીબીઆઈનું છે. મને કહેવાયું હતું કે ભારતીય ન્યાયિક વ્યવસ્થા કોઈના વ્યકિતત્વ કે હોદ્દાને ધ્યાનમાં લીધા વિના તમામને ન્યાય અપાવે છે. હું મારા ન્યાયની રાહ જોઈ રહી છું. ચાર પોલીસકર્મીઓની ડિસ્ચાર્જ અરજીની સુનાવણી દરમિયાન શમીમા કૌસરનો પત્ર રજૂ કરવામાં આવ્યો હતો. આ કેસની સુનાવણી એક અઠવાડિયા માટે મુલત્વી રાખવામાં આવી છે.

(11:33 am IST)