Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

આજે વડાપ્રધાન અમદાવાદ ગાંધી આશ્રમ આવશેઃ સર્વધર્મ પ્રાર્થના સભામાં જોડાશે

સાંજે આગમનઃ ભરચક્ક કાર્યક્રમ

અમદાવાદ, તા.૨:૨જી ઓકટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ગાંધીજીની ૧૫૦મી જયંતીના અવસરે બુધવારના રોજ સાબરમતી આશ્રમ આવશે.  બુધવારના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ખુલ્લામાં શૌચથી મુકત ભારતને જાહેર કરશે.  નેતાએ આ જાણકારી આપી હતી. ગાંધીજીની ૧૫૦મી જયંતીના અવસરે વર્ષભર થનારા કાર્યક્રમોના ભાગ રૂપે બુધવારના રોજ અમદાવાદ અને ગુજરાતના અન્ય વિસ્તારમાં ઘણા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાદ્યાણીએ કહ્યું હતું, વડાપ્રધાન મોદી બુધવારના રોજ સાંજે એરપોર્ટ ખાતે પહોંચશે, ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી સહીત વિવિધ અધિકારીઓ અને કાર્યકર્તાઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવશે. ત્યારબાદ શ્રદ્ઘાંજલિ આપવા માટે તેઓ સાબરમતી આશ્રમ ખાતે પહોંચશે. તેઓ ત્યાંથી સીધા જ શ્રદ્ઘાંજલિ આપવા માટે સાબરમતી આશ્રમ ખાતે જશે,ત્યાંથી સાબરમતી રિવરફ્રન્ટ ખાતે જશે,ત્યાં જઈને ૨૦,૦૦૦થી વધારે ગામના સરપંચોની હાજરીમાં દેશને ખુલ્લામાં શૌચથી મુકત જાહેર કરશે.

આ સમારોહમાં ગાંધીવાદી સંસ્થાઓ,ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશો,પદ્મ પુરસ્કારથી સન્માનિત લોકો,વિદ્યાર્થીઓ,શિક્ષણવિદ અને ગ્રામ સ્તરીય સ્વચ્છતા કાર્યકર્તાઓને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું હતું, વડાપ્રધાન મોદી જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પણ રાજય સ્તરે યોજાયેલા નવરાત્રિ સમારોહમાં પણ હાજરી આપશે અને ત્યારબાદ તેઓ દિલ્હી રવાના થશે. સાબરમતી રિવરફ્રન્ટ પર બે ઓકટોબરના રોજ સમારોહમાં ભાગ લેવા માટે ગુજરાત આવતા મહેમાનોને દાંડી સ્થિત સ્મારક અને મહાત્મા ગાંધી સાથે જોડાયેલા વિભિન્ન સ્થાનો પર લઇ જવામાં આવશે.

નવસારી જિલ્લા તંત્ર દ્વારા દાંડીના સમુદ્ર તટ પર મોટું સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. નવસારી જિલ્લાના દાંડી ગામે જ મહાત્મા ગાંધીએ ચપટી મીઠું હાથમાં લઈને મીઠાનો કાયદો તોડ્યો હતો. સાબરમતી આશ્રમ ખાતે સવારે ૮.૩૦ કલાકે સર્વધર્મ પ્રાર્થના સભા યોજાશે. રાજયભરની ૯૦૦થી વધારે સ્કૂલના વિદ્યાર્થીઓ ભાગ લેશે અને જેમાંથી ઘણા અહિંસાના સંબંધમાં ગાંધીના ઉપદેશો પર પોતાના વિચાર પણ વ્યકત કરશે.(૨૩.૪)

(10:13 am IST)