Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

સુરતથી સૌરાષ્ટ્ર -ગુજરાતના અનેક શહેરોમાં વિમાની સેવા આપતી વેન્ચુરા એરલાઇન્સના સીઈઓ સામે કંપની સાથે 2,33 કરોડની છેતરપીંડીનો આરોપ

એરક્રાફટ ખરીદવા માટે કંપનીમાંથી ડોલર ઉપાડીને પેમેન્ટ કરવાને બદલે અંગત વપરાશમાં લઇ લીધા હોવાનો આરોપ

સુરતથી ભાવનગર, અમરેલી, રાજકોટ અને અમદાવાદ ખાતે ખાનગી વિમાની સેવા આપતી વેન્ચુરા એરલાઇન્સ નામની કંપની સાથે વર્ષ 2016માં તેના સીઇઓ દ્વારા છેતરપિંડી કરાઈ હોવાનો આરોપ લાગ્યો છે સીઇઓએ એરક્રાફટ ખરીદવા માટે કંપનીમાંથી ડોલર ઉપાડીને પેમેન્ટ કરવાને બદલે અંગત વપરાશમાં લઇ લીધા હોવાનો આરોપ પણ મુકાયો છે છે.

વેન્ચુરા એરલાઇન્સના એડવાઇઝર મનુભાઇ મોહનભાઇ સોજીત્રાએ નોંધાવેલી ફરિયાદ મુજબ ડુમસ રોડ પર આવેલા લક્ઝુરીયસ બિઝનેસ હબ ખાતેની વેન્ચુરા એર લાઇન્સ કંપનીના સીઇઓ તરીકે ફરજ બજાવતા કાર્તિકેય શંકરલાલ ગરાસીયાએ વર્ષ 2016માં એરક્રાફટ ખરીદવા માટે વર્ષ 2016માં પાંચ લાખ 25 હજાર ડોલર કંપની પાસેથી લીધા હતા.

   અંદાજે રૂપિયા ત્રણ કરોડ 52 લાખ 61 હજાર જેટલી રકમ લઇને કાર્તિકેય શંકરલાલ ગરાસીયાએ અમેરિકન ડિલરને રૂપિયા 1 કરોડ 64 લાખ ચુકવ્યા હતા. બાકીની રકમ ચુકવી ન હતી અને રૂપિયા બે કરોડ 33 લાખ 15 હજાર જેટલી રકમ પોતાના અંગત વપરાશ માટે લઇ લીધી હતી. આ મામલે જ્યારે કંપનીના સંચાલકો દ્વારા ઉઘરાણી કરવામા આવી ત્યારે કાર્તિકેય ગરાસીયાએ હાથ ઉંચા કરી દીધા હતા. આખરે વેન્ચુરા એરલાઇન્સના એડવાઇઝર મનુભાઇ સોજીત્રાએ ઉમરા પોલીસ સ્ટેશનમાં કાર્તિકેય ગરાસીયા વિરૂધ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. આ મામલે વધુ તપાસ પીએસઆઇ સી એફ ઠાકોર કરી રહ્યા છે.

(9:03 pm IST)