Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

૯૦૦ પીયુસી સેન્ટર ખોલવા માટેની જાહેરાત કાગળ ઉપર

પંદર દિવસ બાદ પણ નવા સેન્ટરો દેખાતા નથી : આરટીઓ ખાતે બેકલોગ માટે હજારોને માથાના દુઃખાવા સમાન ખુબ જટિલ પ્રક્રિયાથી પસાર થવુ પડે છે : અહેવાલ

અમદાવાદ, તા.૧: ટ્રાફિકના નવા નિયમોની અમલવારી માટે રાજય સરકારે તા.૧૫મી ઓકટોબર સુધીની રાહત આપી છે અને સરકારના વાહનવ્યવહાર મંત્રી દ્વારા ખુદ આજથી પંદર દિવસ પહેલાં અમદાવાદ શહેર સહિત રાજયભરમાં લોકોને તકલીફ ના પડે અને લાંબી લાઇનોમાં ઉભા ના રહેવંુ પડે તે હેતુથી ૯૦૦ પીયુસી સેન્ટરો નવા ખોલવાની મોટા ઉપાડે જાહેરાત કરાઇ હતી પરંતુ આશ્ચર્યની અને આઘાતજનક વાત એ છે કે, અમદાવાદ શહેર સહિત રાજયભરમાં આ નવા ૯૦૦ પીયુસી સેન્ટરો શોધ્યાં જડતા નથી, એટલે કે, જાહેરાતને પંદર દિવસ બાદ પણ હજુ સુધી ૯૦૦ પીયુસી સેન્ટરો ખુલ્યા નથી. આમ, સરકારની પીયુસી સેન્ટરો ખોલવાની જાહેરાત જાણે માત્ર કાગળ પરની અને બૂમરેંગ સાબિત થઇ છે. બીજીબાજુ, આરટીઓ કચેરીમાં લોકો લાયસન્સ, બેકલોગ સહિતની કામગીરી ઝડપથી અને સમયસર થતી નહી હોવાથી ત્રાહિમામ્ પોકારી ગયા છે. ખાસ કરીને, સુભાષબ્રીજ ખાતેની આરટીઓ કચેરીમાં રોજના હજારો લોકો બેકલોગ માટે માથાના દુઃખાવા સમાન પ્રક્રિયામાંથી પસાર થવા મજબૂર બન્યા છે. એકબાજુ, નવરાત્રિ, દિવાળી તહેવારોની મોસમનો માહોલ છવાયેલો છે, બીજીબાજુ, પોલીસ નિર્દોષ નાગિરકો-વાહનચાલકોને હેરાન-પરેશાન કરી રહી છે, તો, નિર્દોષ નાગરિકો તંત્રના વાંકે જાય કયાં અને સરકાર શું કરી રહી છે તેવા ગંભીર સવાલો જનતા ઉઠાવી રહી છે. આરટીઓ કચેરીમાં લોકોના બેકલોગ, લાયસન્સ, આરસીબુક સહિતના કામો ના થાય અથવા તો ધીરે ધીરે અને ઓછા થાય તે પ્રકારનું વ્યવસ્થા તંત્ર ગોઠવાયુ હોય એવો લોકોમાં આક્રોશ પ્રવર્તી રહ્યો છે. ખાસ કરીને બેકલોગ જેવી સામાન્ય વસ્તુ માટે પણ લોકોને કલાકો સુધી લાઇનમાં ઉભા રહીને હેરાન થવુ પડે છે. આશ્ચર્યની વાત તો એ છે કે, મોટાભાગના લોકો કે  વાહનચાલકોને બેકલોગ એટલે શું છે તે વાતની ખબર જ નથી અને તેમછતાં આરટીઓ તંત્ર તેમને બેકલોગ કરાવવા પંદરથી ત્રીસ દિવસની મુદત આપી દે છે. બેકલોગ એટલે, ૧૯૯૯થી ૨૦૦૯ના વર્ષ સુધીના જે લાયસન્સના રેકર્ડ કે ડેટા આરટીઓ કચેરીમાં ઉપલબ્ધ નથી, તેની એન્ટ્રી ફરી આરટીઓના કોમ્પ્યુટરમાં કરવી તે. હાલ ૨૦૦૯ પહેલાના લાયસન્સ લીધેલુ હોય તેવા સેંકડો નાગરિકો જાણે તેમણે લાયસન્સ લઇને કોઇ ગુનો કર્યો હોય તે પ્રકારે આરટીઓ કચેરીના ધક્કા ખાવા અને જટિલ, માથાના દુઃખાવા સમાન પ્રક્રિયામાં પસાર થવા મજબૂર બની રહ્યા છે. આશ્ચર્યની વાત તો એ છે કે, બેકલોગ માટે જે નાગરિકની ફીંગરપ્રિન્ટ, ફોટો કે સહીની જરૂરિયાત નહી હોવાછતાં આરટીઓ સત્તાવાળાઓ બેકલોગ કરાવવા માટે જે તે વ્યકિત ખુદ રૂબરૂ કચેરી સમક્ષ હાજર રહે તેવો આગ્રહ રાખતા હોય છે, જેના કારણે નાગરિકોની હેરાનગતિ અને પરેશાની વધી જાય છે. લોકો પોતાની નોકરી, ધંધા અને રોજગાર છોડીને પોતે કલાકો સુધી લાઇનમાં ઉભા રહી બેકલોગ કરાવવા પડાપડી કરતા હોય છે ત્યારે આરસી બુક, વાહન ટ્રાન્સફર, હાયપોથીકેશન સહિતના કામોમાં આરટીઓ સત્તાધીશો દ્વારા લોકોને એવું કહી દેવાય છે કે, પંદરથી ત્રીસ દિવસ પછી બેકલોગ થાય પછી આવજો. સૌથી મોટો યક્ષપ્રશ્ન એ છે કે, નાગરિકોએ બેકલોગ નથી કરાવ્યું તેમાં ભૂલ નાગરિકોની નથી. ખરેખર નાગરિકોએ જયારે લાયસન્સ કઢાવ્યું ત્યારે તેમનો રેકોર્ડ રાખવામાં આરટીઓ તંત્ર નિષ્ફળ રહ્યું છે. જો તંત્રના વાંકે નાગરિકોને કેમ સહન કરવાનું આવે ? વળી, બેકલોગ કર્યા પછી પણ નાગરિકોને ડુપ્લીકેટ કે રિન્યુઅલ વખતે તો રૂબરૂ આવવું જ પડે છે તો, બેકલોગમાં તેમની રૂબરૂ હાજરીનો આગ્રહ કેમ રખાય છે તે સૌથી મોટો સવાલ છે. જો આરટીઓ સત્તાધીશો એવી વ્યવસ્થા ગોઠવે અને બેકલોગ બારોબર પૂર્ણ કરાય તો, બહુ મોટી સમસ્યામાંથી નાગરિકો અને તંત્ર ખુદ મુકિત અનુભવી શકે. એક તો, રોજ આરટીઓમાં હજારો લોકોનીલાઇનો લાગે છે અને આરટીઓ તંત્ર પહોંચી નથી વળતુત્યારે સરકારે સમગ્ર મામલાને ગંભીરતાથી લઇ હકારાત્મક અભિગમ અપનાવી તે મુજબનું યોગ્ય વ્યવસ્થાતંત્ર ગોઠવવું જોઇએ.

(10:08 pm IST)