Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

ભિલોડામાં મકાન ધરાશાયી થતાં છથી વધારે લોકોને ઈજા

ભારે વરસાદને પગલે મકાન પડતા એકનું મોત: મામાના ઘરે આવેલ ભાણીયાનું મોત : સોમવારે વાવાઝોડા સાથે વરસાદમાં મકાન તૂટતાં ૭ લોકો કાટમાળમાં દબાયા

અમદાવાદ, તા.૧: અરવલ્લી-સાબરકાંઠા જિલ્લામાં ગઈકાલે મોડી રાત્રે ભારે વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. ભારે પવન સાથે ત્રાટકેલું વાવાઝોડું બંને જીલ્લામાં આફતરૂપી બની રહેતા ગ્રામ્ય વિસ્તારોમાં ૨૦થી વધુ કાચા મકાનો ધરાશાયી થયા હતા. જેમાં ભિલોડાના લાલપુર ગામે મકાન ધરાશાયી થતા મામાના ઘરે આવેલ દાવલી ગામના પાંચ વર્ષીય રણવીર લાલાભાઇ ખાંટ નામના બાળક સહિત ૭ લોકો કાટમાળ નીચે દટાયા હતા. જેમાં પાંચ વર્ષના ભાણિયાનું કરૂણ મોત નીપજ્યું હતું. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટની લાગણી પ્રસરી ગઇ હતી.  ભારે વાવાઝોડા અને વરસાદમાં મકાન ધરાશયી થયા બાદ આજુબાજુથી દોડી આવેલા લોકોએ કાટમાળ નીચે દટાયેલા તમામ લોકોને બહાર કાઢી ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. ભિલોડામાં આભ ફાટ્યું હોય તેમ રાત્રીના સુમારે બે કલાકમાં વાવાઝોડા સાથે સાત ઇંચ વરસાદ ખાબકયો હતો. જેમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ભિલોડાને જોડાતા માર્ગો પર ઝાડ ધરાશાયી તમામ માર્ગો બંધ થઈ જતા લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તંત્રએ રોડ પરથી ઝાડ હટાવવાની કામગીરી હાથ ધરી હતી. જ્યારે વીજ પુરવઠો ખોરવાયો હતો. બીજીબાજુ, જિલ્લાની સ્થાનિક હાથમતી, બુઢેલી અને ઇન્દ્રાસી નદી બે કાંઠે વહેતા કાંઠાના ગામોને એલર્ટ કરાયા હતા. મોડાસા,બાયડ, ધનસુરા,માલપુર અને મેઘરજ તાલુકામાં ત્રણથી ચાર ઇંચ જેટલો વરસાદ પડતા ખેતરોમાં પાણી ફરી વળ્યાં હતા. કાચા-પાકા મકાનો અને ઝાડ ઠેર ઠેર પડી જતા અને નવરાત્રિ મહોત્સવમાં મંડપ અને ખાણીપીણીના સ્ટોલ જમીનદોસ્ત થયા હતા અને મોટા મોટા હોર્ડિંગ્સ, બોર્ડ પણ તૂટી પડ્યા હતા. વાવાઝોડા સાથેના વરસાદે જાણે સમગ્ર પંથકનું જનજીવન ઘમરોળી નાંખ્યું હતું.

(10:01 pm IST)