Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

સડેલા વટાણા અંગે કમિટિ ૧૦ દિનમાં રિપોર્ટ આપશે

ભારે હોબાળો મચ્યા બાદ તપાસ કમિટિની રચના : ૬૨૦૦૦ વટાણાના થેલા સડી ગયા હોવાના અહેવાલથી સરકાર પણ હચમચી ઉઠી : ઉચ્ચ સ્તરીય તપાસનો દોર

વડોદરા, તા. ૨ : એપીએમસી ગોડાઉનમાં સડી ગયેલા વટાણાને લઇને ભારે અફડાતફડી મચી ગઈ છે. આને લઇને હવે ઉંડી તપાસ હાથ ધરવામાં આવી રહી છે. છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર દ્વારા બોડેલીમાં એગ્રીકલ્ચર પ્રોડ્યુશ માર્કેટ કમિટિ (એપીએમસી)ના ગોડાઉનમાં સડી ગયેલા વટાણાના જથ્થાના અહેવાલ આવ્યા બાદ આખરે ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની રચના કરી દીધી છે. આના માટેના આદેશ પણ જારી કરી દેવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ ૨૦૧૬-૧૭ના ગાળા દરમિયાન નેશનલ એગ્રીકલ્ચર કો-ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ દ્વારા ખરીદવામાં આવેલા ૬૨૦૦૦ વટાણાના થેલા ૧૫ ગોડાઉનમાં સડી ગયા હોવાના અહેવાલ મળ્યા છે જેના લીધે જિલ્લામાં નારાજગીનું મોજુ ફરી વળ્યું છે. રવિવારના દિવસે જ બોડેલી તાલુકાના સબડિવિઝનલ મેજિસ્ટ્રેટ ઘટનાસ્થળે ગોડાઉનમાં પહોંચ્યા હતા. ત્યારબાદ જિલ્લા કલેક્ટર સુજલ મેત્રા દ્વારા ગઇકાલે સ્થળની મુલાકાત લઇને તપાસના આદેશ કરી દેવામાં આવ્યા છે. આઠથી નવ થેલાની ચકાસણી કરવામાં આવી હતી. જાણકાર લોકોનું કહેવું છે કે, આ સમગ્ર મામલામાં તપાસ કરવા માટે ત્રણ સભ્યોની સમિતિ બનાવી દેવામાં આવી છે. આ કમિટિ ૧૦ દિવસની અંદર જ અહેવાલ આપશે અને ત્યારબાદ પગલા લેવામાં આવશે. છોટાઉદેપુરના જિલ્લા કલેક્ટરના કહેવા મુજબ તપાસ કમિટિમાં સબડિવિઝનલ મેજિસ્ટ્રેટ, ડિસ્ટ્રીક્ટ એગ્રીકલ્ચર ઓફિસર, કૃષિ વિજ્ઞાન કેન્દ્રના પ્રોગ્રામ કો-ઓર્ડિનેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે. કલેક્ટરે એમ પણ કહ્યું હતું કે, ૬૨૦૦૦ થેલા પૈકીના ૨૦૦૦ થેલા વેપારીઓ પાસેથી લઇ લેવામાં આવ્યા છે. આ વેપારીઓએ બિડિંગ અને અન્ય પ્રક્રિયા મારફતે તેની ખરીદી કરી હતી. જિલ્લા કલેક્ટરની મુલાકાત બાદ આને લઇને સરકાર પણ હચમચી ઉઠી છે. પૂર્વ જુનિયર રેલવેમંત્રી નારાયણ રાઠવાએ પણ ગોડાઉન ઉપર પહોંચી જઇને નાફેડ દ્વારા વટાણાની ખરીદીમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો હતો. છોટાઉદેપુરના સાંસદ રામસિંહ રાઠવાએ આ પ્રકારના આક્ષેપોને રદિયો આપ્યો છે અને કહ્યું છે કે, જો કોઇ પણ ગેરરીતિ હશે તો પગલા લેવાશે.

 

(7:06 pm IST)