Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

અમદાવાદમાં ડેન્ગ્યુથી વિદ્યાર્થીનું મોતઃ મેલેરિયાનો ૨ મહિલા ભોગ બનીઃ રોગચાળો ફેલાતા લોકો ચિંતિત

અમદાવાદ: અમદાવાદ સહિત રાજ્યભરમાં મોટી સંખ્યામાં લોકો ડેંગ્યુ, મલેરિયા, સ્વાઈન ફ્લૂ જેવી બીમારીઓથી પીડાઈ રહ્યા છે. સોમવારે મોડી રાત્રે અમદાવાદની શાંતિ એશિયાટિક સ્કૂલમાં 10મા ધોરણમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીનું ડેંગ્યુને કારણે મોત થયુ. આ સિવાય અમરાઈવાડી અને વટવા વિસ્તારમાં રહેતી બે મહિલાઓ મેલેરિયાનો ભોગ બની. સપ્ટેમ્બર મહિનામાં અમદાવાદમાં મેલેરિયાના કેસમાં 100 ટકા વધારો થયો. સપ્ટેમ્બર 2017માં મેલેરિયાના 197 કેસ નોંધાયા હતા, જ્યારે સપ્ટેમ્બર 2018માં 396 કેસ નોંધાયા છે.

AMCના મેડિકલ ઓફિસર ભાવિન સોલંકીએ પૃષ્ટિ કરી છે કે, દસમા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું મોત થયુ છે અને તેમણે જણાવ્યું છે કે સ્કૂલ અને તે વિદ્યાર્થી જે વિસ્તારમાં રહે છે ત્યાં મસ્કિટો બ્રીડિંગ ચેકિંગ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થીનો પરિવાર એસપી રિંગ રોડ પર આવેલી ટાઉનશિપમાં 12મા માળે રહે છે.

ભાવિન સોલંકીએ જણાવ્યું કે, અમને બિલ્ડિંગના પાર્કિંગમાં પણ બ્રિડિંગ મળી આવ્યુ છે અને સ્કૂલ કેમ્પસમાં પણ મળી આવ્યુ છે. હવે તે વિદ્યાર્થીને મચ્છર ક્યાં કરડ્યો હશે જેનાથી તેને ડેંગ્યુ થયુ તે કહેવું મુશ્કેલ છે. ટાઉનશિપમાં એક વ્યક્તિ આ કામ માટે રાખવો જોઈએ જે સમયાંતરે સ્વચ્છતા બાબતે ચકાસણી કરતો રહે.સ્કૂલોમાં પણ યુદ્ધના ધોરણે અભિયાન કરવા જોઈએ.

સોલંકી આગળ જણાવે છે કે, અમે અવારનવાર સ્કૂલોમાં તપાસ માટે જઈએ છીએ અને દંડ ફટકારવા છતા સ્થિતિમાં ખાસ કોઈ સુધારો નથી જોવા મળતો. ઉલ્લેખનીય છે કે, શહેરમાં કોલેરાના સાત કેસ નોંધાયા છે જેમાંથી બે કેસ રામોલ, 2 વટવા, એક બેહરામપુરા, એક શાહપુર અને એક જમાલપુરમાં નોંધાયો છે. શહેરમાં ગયા વર્ષની સરખામણીમાં ટાઈફોઈડના કેસમાં પણ 53 ટકા વધારો થયો છે.

(5:14 pm IST)