Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

નરોડામાં પત્નીએ પતિની આંખમા મરચાની ભૂક્કી નાખી ચપ્પુના ઘા ઝીક્યાં

અમદાવાદ:નરોડામાં પોતાના નામે ઘર કરી દેવા બાબતે ઝઘડો કરીને પત્નીએ પતિની આંખમાં મરચુ નાંખીને ગળા પર ચાકુના વાર કરીને ઘાયલ કરી નાંખ્યો હતો. ગંભીર હાલતમાં તેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. નરોડા પોલીસે આરોપી પત્નીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની વિગત મુજબ નરોડામાં હરીદર્શન રોડ પર મધુવન સોસાયટીમાં રહેતા કનુભાઈ નટવરભાઈ પટેલની પત્ની ગુજરી જતા તેમણે લલીતાબહેન નામની મહિલા સાથે દોઢ વર્ષ પહેલા લગ્ન કર્યા હતા. કનુંભાઈને પહેલી પત્નીથી એક ૧૪ વર્ષનો પુત્ર છે. જ્યારે લલીતાબહેનને પહેલા પતિથી એક પુત્રી છે. બીજીતરફ મકાન કનુંભાઈના નામે હોવાથી લલીતાબહેને મકાન તેમના નામે કરી દેવા પતિ સાથે ઝઘડો કરતા હતા. દરમિયાન ૩૦ સપ્ટેમ્બરના રોજ આ દંપતી વચ્ચે આ બાબતે જોરદાર ઝઘડો થયો હતો. જેમાં ઊશ્કેરાયેલા લલીતાબહેને રસોડામાં જઈને મરચાનો પાવડર પતિની આંખમાં નાંખી દીધો હતો અને મકાન પોતાના નામે કરી દેવા જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.એટલું જ નહી પત્નીએ રસોડામાંથી ચાકુ લઈને પતિના ગળા અને ખભા પર વાર કરતા તે લોહીલુહાણ થઈ ગયો હતો. સારવાર અર્થે તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, એમ નરોડા પોલીસે જણાવ્યું હતું.નરોડા પોલીસે લલીતાબહેનની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

(4:34 pm IST)